Sat Sep 12 2026

Logo

ઈરાને આપી અંડરસી કેબલ કાપવાની ધમકી અને દુનિયાભરમાં ગૂગલ અને વોટ્સએપ થઈ શકે છે ઠપ...

2026-04-23 14:43:00
Author: Darshana Visaria
ઈરાને આપી અંડરસી કેબલ કાપવાની ધમકી અને દુનિયાભરમાં ગૂગલ અને વોટ્સએપ થઈ શકે છે ઠપ...

AI Image


 

હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે સતત વધતા જતા તણાવને કારણે હવે દુનિયા પર ક્રૂડ ઓઈલની સાથે સાથે ઈન્ટરનેટ ઠપ થવાનું જોખમ પણ તોળાઈ રહ્યું છે અને એનું કારણ છે ઈરાને હાલમાં આપેલી એક ધમકી. ઈરાનની મિલિટરી ફોર્સ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે જોડાયેલી સમાચાર એજન્સી તસ્નીમના રિપોર્ટ અનુસાર ઈરાને હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલાં અંડરસી ઈન્ટરનેટ કેબલ્સને નિશાનો બનાવવાની ધમકી આપી છે, જેને કારણે આખી દુનિયા ઓફલાઈન થઈ જશે. 

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ ઘટવાના કે ઓછા થવાના કોઈ અણસાર નથી દેખાઈ રહ્યા. યુદ્ધના માહોલ વચ્ચે હવે ઈરાને એનર્જી એટલે કે તેલ-ગેસ બાદ ઈન્ટરનેટને હથિયાર બનાવવાની ચેતવણી આપી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ માત્ર એનર્જી રૂટ જ નહીં, પણ તે ગ્લોબલ ઈન્ટરનેટ ટ્રાફિકનો અત્યંત મહત્વનો કોરિડોર પણ છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં રહેલાં આ અંડરસી કેબલ્સ દ્વારા યુએઈ, કતાર, બહેરીન, કુવૈત અને સાઉદી અરેબિયા જેવા દેશો સુધી ઈન્ટરનેટ પહોંચાડવામાં આવે છે. જો આ કેબલ્સને નુકસાન થાય તો આ દેશોની ઇકોનોમી અને કોમ્યુનિકેશન સિસ્ટમ પડી ભાંગી શકે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સમુદ્રની ઊંડાઈ ઘણી જગ્યાએ માત્ર 200 ફૂટ જ છે. આટલી ઓછી ઊંડાઈએ રહેલાં કેબલ્સને એક્સેસ કરવા અને તેને નુકસાન પહોંચાડવું ખૂબ જ સરળ છે.

હવે યુદ્ધના સમયમાં જો ઈરાન દ્વારા આ કેબલ્સને નુકસાન પહોંચાડવામાં આવશે તે ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે રિપેરિંગ કરનારા જહાજનું ત્યાં સુધી પહોંચવું જોખમી બની શકે છે. આને કારણે ઈન્ટરનેટ મહિનાઓ સુધી ઠપ રહી શકે છે અને દુનિયા ઓફલાઈન થઈ જશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાન આ અગાઉ પણ યુએઈ અને બહેરીનમાં એમેઝોન વેબ સર્વિસીસના ડેટા સેન્ટર પર ડ્રોન સ્ટ્રાઈક કરીને પોતાની તાકાતનો પરિચય આપી ચૂક્યું છે, એટલે તેની આ અંડરસી ઈન્ટરનેટ કેબલ્સને નુકસાન પહોંચાડવાની ધમકીને હળવાશમાં ના લઈ શકાય.