બ્રેડીઃ આયરલૅન્ડ (Ireland) માટે જૂન મહિનો ભારતને ટી-20 સિરીઝમાં પરાજિત કરવા બદલ ઐતિહાસિક સાબિત હતો, પણ જુલાઈ મહિનો અપશુકન લઈને આવ્યો છે. વાત એવી છે કે અફઘાનિસ્તાન સામેની આયરલૅન્ડની વન-ડે મૅચ ધોવાઈ જતાં આઇરિશ ટીમે 2027ના વન-ડે વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મેળવવાની તક ગુમાવી દીધી છે.
અફઘાન ટીમ સામે સિરીઝની પ્રથમ વન-ડે બ્રેડી (Bready)માં રમાવાની હતી, પણ એકધારો વરસાદ થતાં ટૉસ સુદ્ધા નહોતો થઈ શક્યો એટલે આયરલૅન્ડે આઇસીસી રૅન્કિંગને આધારે આવતા વર્ષના વિશ્વ કપમાં સીધો પ્રવેશ મેળવવાનો મોકો ગુમાવી દીધો. આયરલૅન્ડે હવે ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં રમવું પડશે.
વરસાદને કારણે આયરલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મૅચ ન રમાતાં બન્ને ટીમને એક-એક પૉઇન્ટ આપી દેવાયો હતો. આગામી 30મી સપ્ટેમ્બર સુધીમાં ટોચના આઠ સ્થાને રહેનારી ટીમને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળી જશે, પણ બાકીની ટીમોએ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં રમવું પડશે.
2023માં ભારતમાં યોજાયેલા પાછલા વન-ડે વર્લ્ડ કપ વખતે પણ આયરલૅન્ડે ક્વૉલિફાઇંગ રાઉન્ડના સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું હતું. ત્યારે સુપર સિક્સ ક્વૉલિફાયર્સમાં આયરલૅન્ડનો પરાજય થતાં એણે વર્લ્ડ કપની બહાર થઈ જવું પડ્યું હતું. દરમ્યાન, આયરલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે સિરીઝની બાકીની ચાર મૅચ શુક્રવારથી આવતા શનિવાર દરમ્યાન રમાશે. પૉલ સ્ટર્લિંગ આયરલૅન્ડનો અને રહમત શાહ અફઘાનિસ્તાનનો કૅપ્ટન છે.