Tue Sep 22 2026

Logo

IRCTC દ્વારા ગણેશોત્સવ નિમિત્તે તેજસ એક્સપ્રેસમાં મુસાફરોને મોદકનું વિતરણ

2026-09-16 20:44:59
Author: Mumbai Samachar Team
IRCTC દ્વારા ગણેશોત્સવ નિમિત્તે તેજસ એક્સપ્રેસમાં મુસાફરોને મોદકનું વિતરણ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ધૂમધામથી ઉજવાતી ગણેશ ચતુર્થીના પર્વમાં સહભાગી થઈને ભારતીય રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક સુંદર સાંસ્કૃતિક પહેલ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી મડગાંવ તેજસ એક્સપ્રેસ (ટ્રેન ક્રમાંક 22119/20)માં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને પરંપરાગત પ્રસાદ રૂપે મોદકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન પ્રવાસીઓને ઉત્સવના આનંદ અને મહારાષ્ટ્રની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો અનુભવ મળે તે માટે આ વિશેષ વિતરણ આખા ગણેશ ઉત્સવ દરમિયાન ચાલુ રાખવામાં આવશે.

આ વિશે માહિતી આપતા આઈઆરસીટીસી (પશ્ચિમ ઝોન, મુંબઈ)ના ગ્રુપ જનરલ મેનેજર ગૌરવ ઝાએ જણાવ્યું હતું કે, આ ખાસ ઉપક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસીઓની રેલવેની સફર દરમિયાન ગણેશોત્સવનો આનંદ, પ્રેમ અને મહારાષ્ટ્રની અનોખી સંસ્કૃતિનો અહેસાસ કરાવવાનો છે. ભગવાન ગણેશને અત્યંત પ્રિય એવા અને ગણેશોત્સવની પરંપરા સાથે જોડાયેલા સ્વાદિષ્ટ મોદક આ ઉપક્રમનું મુખ્ય આકર્ષણ બન્યા છે, જેના કારણે પ્રવાસીઓની મુસાફરીમાં મીઠાસ અને ઉત્સાહ ઉમેરાયો છે.

તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓએ પણ આઈઆરસીટીસીની આ અનોખી અને લાગણીસભર પહેલનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું અને તેના વખાણ પણ કર્યા હતા. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઉત્સવના વાતાવરણનો મુસાફરી દરમિયાન જ અનુભવ કરાવવા બદલ અને મુસાફરીને વધુ યાદગાર બનાવવાના આ પ્રયાસથી પ્રવાસીઓએ આ બદલ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.

મુખ્ય તહેવારો અને વિશેષ પ્રસંગોએ પ્રવાસીઓની મુસાફરીને વધુ સુખદ, આરામદાયક અને સાંસ્કૃતિક રીતે યાદગાર બનાવવા માટે આઈઆરસીટીસી સતત પ્રયત્નશીલ રહે છે. પ્રવાસીઓને ઉત્સવનો સંપૂર્ણ આનંદ મળી રહે તે હેતુથી ગણેશોત્સવના સમગ્ર ગાળા દરમિયાન તેજસ એક્સપ્રેસમાં મોદક વિતરણનો આ વિશેષ ઉપક્રમ અનંત ચતુર્દશી સુધી ચાલુ રાખવામાં આવશે.