Wed Aug 19 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ઈરાન મરો, આરબો મરો પણ અમેરિકાનું તરભાણું ભરો

2026-03-21 08:48:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

ગુજરાતીમાં કહેવત છે કે, વર મરો ક્નયા મરો પણ ગોરનું તરભાણું ભરો. દુનિયામાં અત્યારે એવી જ સ્થિતિ છે. ઈરાન અને ઈઝરાયલ સામસામે ભિડાઈ ગયાં છે તેમાં ઈરાનનાં લોકો મરી રહ્યાં છે. ઈરાન અમેરિકા સામેનો ખાર સાઉદી અરેબિયા, કતાર, યુએઈ વગેરે આરબ દેશો પર કાઢી રહ્યું છે તેથી આરબોનો પણ કચ્ચકઘાણ નીકળી રહ્યો છે ત્યારે અમેરિકા મસ્ત મજાનો ધંધો કરીને રોકડી કરી રહ્યું છે. 

અમેરિકાએ ગયા અઠવાડિયે જ ઈરાનના હુમલાના ખતરાનો સામનો કરી રહેલા યુએઈ, કુવૈત અને જોર્ડનને 16.5 અબજ ડૉલરનાં શસ્ત્રો વેચ્યાં હતાં. હવે ડોનલ્ડ ટ્રમ્પે યુએઈને બીજાં 7 અબજ ડૉલરનાં શસ્ત્રો ધાબડી દેવાનું નક્કી કરતાં અઠવાડિયામાં જ અમેરિકાને 23.5 અબજ ડૉલરની કમાણી થઈ ગઈ છે. આ વેપલા મારફતે અમેરિકા યુએઈને એર-ડીફેન્સ સિસ્ટમ આપશે. 

અમેરિકા રડાર ગીયર અને બીજી અત્યાધુનિક સિસ્ટમ્સ પણ આપશે કે જેથી ઈરાનના મિસાઈલ હુમલા સામે પોતાના ક્રુડ ઓઈલના ભંડારોનું રક્ષણ કરી શકાય. અમેરિકા યુએઈને 5.6 અબજ ડૉલરનાં પેટ્રિયટ પીએસી-3 મિસાઈલ તથા સીએચ-47 ચિનુક હેલિકૉપ્ટર્સ પણ આપવાનું છે. તેનો મતલબ એ થયો કે, અમેરિકા યુએઈને પણ આ યુદ્ધમાં જોડાઈને ઈરાન પર હુમલા કરવા માટે તૈયાર કરી રહ્યું છે. અમેરિકા દુનિયાના દેશોને કેટલાં શસ્ત્રો વેચે છે તેની વિગતો જાહેર કરતું નથી તેથી આ સોદાની વિગતો પણ જાહેર નહોતી કરી પણ મીડિયામાં પેપર ફૂટી ગયું તેમાં વિગતો બહાર આવી ગઈ. 

આ શસ્ત્ર સોદો અમેરિકાનો અસલી ચહેરો છતો કરે છે. અમેરિકાએ ઈરાન પરમાણુ સત્તા બની જાય તો દુનિયા પર ખતરો વધશે એવો ડર બતાવીને ઈરાન પર હુમલો કર્યો છે પણ તેનો અસલી ઈરાદો યુદ્ધ કરાવીને શસ્ત્રો વેચવાનો છે એ સ્પષ્ટ થઈ ગયું છે. પોતે ઈરાન પર હુમલો કરશે એટલે ઈરાન પોતાના સાથી દેશો પર હુમલા કરશે તેની અમેરિકાને ખબર હતી જ. ઈરાનના હુમલાના કારણે સાથી દેશો ફફડીને પગ પકડતા પોતાની પાસે આવશે ને અમેરિકાનો માલ વેચાશે તેની પણ ડોનલ્ડ ટ્રમ્પને ખબર હતી જ. અત્યારે એવું જ થઈ રહ્યું છે ને ડોનલ્ડ ટ્રમ્પની સ્ક્રિપ્ટ પ્રમાણે બધું ચાલી રહ્યું છે તેથી અમેરિકાના બેઉ હાથમાં લાડુ છે. 

અક્કલના ઓથમીર આરબ દેશોને આ યુદ્ધના કારણે તેમને લાંબા ગાળે કેવું નુકસાન થશે તેનો તો અંદાજ જ નથી. આરબ દેશોની ગણના કટ્ટરવાદી મુસ્લિમ દેશોમાં થતી પણ છેલ્લાં કેટલાંક વરસોથી આરબ દેશો આ છાપ બદલવામાં સફળ થયા છે. તેની શરૂઆત યુએઈએ કરી ને હવે સાઉદી સહિતના બધા દેશો એ રસ્તે ચાલી રહ્યા છે. વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને લક્ઝુરીયસ સવલતો દ્વારા યુએઈ સહિતના દેશો મોટા પ્રમાણમાં વિદેશી રોકાણકારોને આકર્ષી રહ્યા છે. 

આરબ દેશોમાં સમૃદ્ધિ ભારે છે ને કાયદા આકરા છે તેથી ગુનાખોરી પણ સાવ ઓછી છે. આ કારણે પહેલાં દુનિયાભરના ધનિકો દુબઈમાં પ્રોપર્ટી ખરીદીને રહેવા લાગ્યા ને પછી અપર મિડલ ક્લાસ પણ મોટા પ્રમાણમાં પ્રોપર્ટી ખરીદી રહ્યો હતો. આ ખરીદીના કારણે દુબઈ વિશ્વમાં હોટેસ્ટ પ્રોપર્ટી હબ બની ગયું છે. દુબઈની વધતી સમૃદ્ધિ જોઈને સાઉદી સહિતના દેશો પણ એ જ રસ્તે વળ્યા છે અને ધનિકોને પસંદ પડે એ પ્રકારનું વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે. સાઉદી તો પોતે એક આખું નવું શહેર જ વિકસાવી રહ્યું છે કે જ્યાં દુનિયાભરના ફાયનાન્સિયલ નિષ્ણાતો આવીને રહી શકે. સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન તો સાઉદીને વર્લ્ડમાં સૌથી જોરદાર સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું ડેસ્ટિનેશન પણ બનાવવા માગે છે. 

આ સપનું સાકાર કરવામાં હવે પંક્ચર પડી ગયું છે કેમ કે ઈરાનના હુમલાને કારણે સાઉદી અરેબિયા અને દુબઈ સહિતના આરબ દેશો સલામત નથી એવી છાપ પડી ગઈ છે તેથી લોકો ત્યાંથી ભાગી રહ્યા છે. જાન હૈ તો જહાંન હૈ એમ સમજીને લોકો બધું મૂકીને પોતપોતાનાં દેશોમાં પાછા ફરી રહ્યા છે. દુબઈ સહિતના સ્થળોએથી વિમાની સેવા પણ અનિયમિત થઈ રહી છે તેથી ફફડાટ વધી રહ્યો છે. 

યુદ્ધ કેટલું લાંબું ચાલશે એ ખબર નથી પણ તેના કારણે આરબ દેશોની ઈમેજ સાવ બગડી ગઈ. તેના કારણે ભવિષ્યમાં નવા રોકાણકારો આવતાં ગભરાશે. જે રોકાણકારો રોકાણ કરીને બેસી ગયા છે એ ભેરવાઈ ગયા છે એવું અનુભવશે તેથી બહાર નીકળવા માટે જે ભાવ મળે એ ભાવે પ્રોપર્ટીઓ કાઢશે તેમાં પ્રોપર્ટી માર્કેટ પણ બેસી જશે. યુએઈ અને સાઉદી બંને પોતાના અર્થતંત્રને ક્રૂડ ઓઈલ આધારિત રહેવા દેવા નથી માગતા તેથી આ બધી મણાતમણ કરતા હતા પણ અમેરિકાએ ઈરાન પર આક્રમણ કરીને આ બધી મથામણ પર પાણી ફેરવી દીધું છે. 

અમેરિકા કશું સ્વાર્થ વિના કરતું નથી તેથી આરબ દેશોની ઈમેજના ધોવાણ પાછળ પણ અમેરિકાની ગણતરી છે જ. દુબઈ સહિતના આરબ દેશોમાં રોકાણ કરનારા મોટા ભાગના એવા દેશ છે કે જ્યાં આર્થિક રીતે લોકોને ભાવિ ઉજજવળ નથી લાગતું ને આર્થિક સલામતી ફીલ નથી થતી. ભારત અને ચીન પણ આ કેટેગરીના દેશો છે તેથી આ બંને દેશનાં લોકો પણ મોટા પ્રમાણમાં દુબઈ, સાઉદીમાં રોકાણ કરીને બેઠા છે. હવે આ બધા કઈ તરફ વળવાના ? અમેરિકા તરફ વળવાના. યુરોપના દેશો પણ વિકલ્પ છે પણ યુરોપમાં બીજા દેશોનાં લોકો માટેની એન્ટ્રી માટેના નિયમ બહુ આકરા છે ને કમાણીના ચાન્સ પણ અમેરિકા જેવા નથી તેથી બધા અમેરિકા તરફ જ વળે. 

સુન્ની આરબ દેશો શિયાઓ તરફની નફરતમાં એટલા આંધળા છે કે તેમને આ વાત સમજાતી નથી. એ લોકો અમેરિકા અને ઈઝરાયલને ઈરાન પર હુમલા કરવા માટે ઉશ્કેરીને પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યા છે. તેમને એમ છે કે, અમેરિકા ઈરાનને મસળી નાખીને ત્યાં પણ સુન્નીઓને સત્તા સોંપી દેશે પછી આખી દુનિયાના શિયાઓએ પોતાના પગ પકડીને જીવવું પડશે પણ અમેરિકાને ઈરાનને સંપૂર્ણ મસળી નાખવા કરતાં વધારે રસ પોતાનાં હિતો સાચવવામાં છે તેથી આ યુદ્ધ પતવાનું નથી ને ઈરાનમાં કદી સુન્નીઓની સત્તા આવવાની નથી. 

આરબ નેતાઓમાં સમજદારીનો છાંટો પણ હોય તો તેમણે અમેરિકાની ચાલ સમજીને યુદ્ધથી પોતાને અલિપ્ત કરી દેવાની જરૂર છે. ટ્રમ્પ યુરોપના દેશોને યુદ્ધમાં સામેલ કરીને યુદ્ધને ઉગ્ર બનાવવા માગતા હતા કે જેથી અમેરિકાનાં શસ્ત્રોનો ધંધો ધિકતો થાય પણ નાટોના અમેરિકાના સાથી દેશો શાણપણ બતાવીને ઘસીને ના પાડી દીધી. આરબ દેશોએ પણ આ શાણપણ બતાવીને અમેરિકાથી દૂર થવાની જરૂર છે.