તહેરાન: ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે આયાતુલ્લા મોજતબા ખામેનેઈની વરણી થયાના ગણતરીના કલાકોમાં જ સોમવારે ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલોનો પ્રથમ મારો ચલાવ્યો છે. ઈરાની સરકારી સૂત્રો દ્વારા આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, નવા નેતૃત્વ હેઠળ કબજે કરેલા પ્રદેશો તરફ મિસાઈલો છોડવામાં આવી છે. આ દરમિયાન ઓનલાઈન શેર કરવામાં આવેલી મિસાઈલોની તસવીરો પર ધાર્મિક સૂત્રો પણ જોવા મળ્યા હતા.
રવિવારે ઈરાનની એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ દ્વારા આયાતુલ્લા અલી ખામેનેઈના ઉત્તરાધિકારી તરીકે તેમના પુત્ર મોજતબા ખામેનેઈના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ નિમણૂક બાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે નવા નેતા પ્રત્યે સંપૂર્ણ આજ્ઞાપાલન અને બલિદાનની તૈયારી સાથે શપથ લીધા હતા. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોજતબા ખામેનેઈને લાઇટવેઇટ ગણાવી આ નિમણૂક પ્રક્રિયામાં પોતાનો મત હોવો જોઈએ તેવો આગ્રહ રાખતા રાજદ્વારી તણાવમાં વધારો થયો છે.
પશ્ચિમ એશિયામાં વધી રહેલા આ યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર પણ ગંભીર અસર જોવા મળી રહી છે. રવિવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સાડા ત્રણ વર્ષમાં પ્રથમ વખત બેરલ દીઠ 100 ડોલરને પાર કરી ગયા છે. ઈરાન યુદ્ધના કારણે ઉત્પાદન અને શિપિંગમાં અવરોધ ઊભો થતા તેલના ભાવમાં આ ઉછાળો જોવા મળ્યો છે. આ સંઘર્ષની અસર માત્ર આર્થિક સ્તરે જ નહીં, પરંતુ પડોશી દેશોની સુરક્ષા પર પણ પડી રહી છે.
ગઈકાલે રવિવારે સાઉદી અરેબિયાના અલ-ખર્જ ગવર્નરેટમાં એક રહેણાંક વિસ્તારમાં મિલિટરી પ્રોજેક્ટાઈલ (ગોળો) પડતા બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જેમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. સાઉદી સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં અન્ય 12 લોકો ઘાયલ થયા છે.