નવી દિલ્હીઃ ઈરાન ઈઝરાયેલના યુદ્ધના કારણે દેશ-દુનિયાની ચિંતા વધારી છે. ખાસ કરીને ક્રુડ ઓઈલ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓની સપ્લાઈને લઈ દરેક દેશ ચિંતા કરી રહ્યો છે. ભારતમાં આ યુદ્ધ બાદ LPG ગેસના સિલિન્ડરમાં ભાવ વધારો ઝિંકાયો હતો. ચર્ચા એવી પણ થઈ રહી છે કે, ગેસના ભાવ બાદ હવે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કરવાના મૂડમાં છે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
શક્યતાઓ ઓછી છે
સરકારમાં રહેલા સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર પેટ્રોલ ડીઝલ પર ભાવ વધારો કરે એવી શક્યતા ખૂબ ઓછી છે. આવનારા દિવસોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય એવી કોઈ ચોક્કસ સંભાવનાઓ નથી. પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ પ્રકારનો વધારો નહીં થાય કારણ કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી ટૂંક સમયમાં કોર્ગોનું આવનજાવન શરૂ થવાનું છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, ભારત પાસે પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક છે. પશ્ચિમ એશિયામાં તણાવગ્રસ્ત સ્થિતિ હોવા છતાં ભારત પાસે કાચું તેલ, ક્રુડ, પેટ્રોલ-ડીઝલના પૂરતા ભંડાર ભરેલા છે.
ફ્યૂલની કોઈ અછત નહીં થાય
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ઉમેર્યું કે, ભારત પાસે ફ્યૂલનો પૂરતો સ્ટોક છે. ફ્યૂલની કોઈ પ્રકારે અછત ઊભી નહીં થાય. લોજિસ્ટિક પાસું પણ મજબૂત છે, યુદ્ધના માહોલમાં ફ્યૂલને લઈને ભારતમાં સ્થિતિ કંટ્રોલમાં છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના માહોલને કારણે ક્રુડ ઓઈલના ભાવમાં રેકોર્ડ બ્રેક ભાવ વધારો થયો છે. એક અઠવાડિયા દરમિયાન 39 દિવસમાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો લાગુ થઈ ચૂક્યો હતો. શુક્રવારે ક્રુડ ઓઈલના ભાવમાં અગાઉ ક્યારેય ન થયો હોય એવો ભાવ વધારો જોવા મળ્યો હતો.