અમદાવાદઃ ગુજરાતમાં 37 IPSની બદલી કરવામાં આવી છે. જેમાં શમશેર સિંઘની ભારે ઉપેક્ષા કરવામાં આવી છે. જ્યારે અમદાવાદના નવા ઝોન-8માં IPSની નિમણૂક કરવામાં આવી હતી.
દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન સાહિબ સિંહ વર્મા સાથે શમશેરનું શું છે કનેકશન?
થોડા સપ્તાહ પહેલા સીમા સુરક્ષા દળના અધિક મહાનિર્દેશક શમશેર સિંઘને તેમની મૂળ કેડરમાં સમયપૂર્વે પરત મોકલવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. 1991ની બેચના આઈપીએસ અધિકારી શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફર્યા હતા. તેમની રિટાયરમેન્ટ તારીખ 31 માર્ચ, 2026 છે. તેમને નિવૃત્તિના 25 દિવસ પહેલા જ નિમણૂક આપવામાં આવી હતી. લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોઈ રહેલા શમશેર સિંઘને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકે નિયુક્તિ આપી નિવૃત્તિ પૂર્વે મહત્વનું પોસ્ટિંગ અપાયું છે. આમ શમશેર સિંઘની ભારે ઉપેક્ષા કરવામાં આવી છે.
શમશેર સિંઘ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન સાહિબ સિંહ વર્માના જમાઈ અને દિલ્હી ભાજપના પ્રવેશ વર્મા બનેવી છે. પ્રવેશ વર્મા હાલ દિલ્હી સરકારમાં પ્રધાન છે. પ્રવેશ વર્માએ 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા. 2014 અને 2019માં તેઓ દિલ્હી વેસ્ટના સાંસદ તરીકે ચૂંટાયા હતા.
શમશેર સિંઘ ગયા વર્ષે જાન્યુઆરી 2025માં એન્ટી-કરપ્શન બ્યુરો અને ગુજરાતના DGP (કાયદો અને વ્યવસ્થા)ની જવાબદારી છોડીને સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ગયા હતા. તે સમયે તેમની નિમણૂક BSFમાં ADG તરીકે કરવામાં આવી હતી. તેમનો કાર્યકાળ માર્ચ 2026 માં તેમની નિવૃત્તિ સુધીનો હતો, પરંતુ તેમને તે પહેલા જાન્યુઆરી, 2026માં ગુજરાત પરત મોકલવામાં આવ્યા હતા. શમશેર સિંઘની છબી ખૂબ જ સારી છે અને તેઓ ગુજરાતમાં અગાઉ પણ અનેક મોટી જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.
ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી શમશેર સિંઘ મૂળ હરિયાણાના જીંદ જિલ્લાના વતની છે. તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી દિલ્હીથી મેનેજમેન્ટમાં પીએચડી કર્યું હતું. તેઓ વર્ષ 1991માં ગુજરાત કેડરમાં આઈપીએસ અધિકારી તરીકે જોડાયા હતા.
અમદાવાદના નવા ઝોન-8ના DCP તરીકે મયૂર પાટીલની નિમણૂક
આ ઉપરાંત અમદાવાદમાં પણ ઝોન-8ની નવી રચના સાથે ટ્રાફિક અને ક્રાઈમ વિભાગમાં મોટા ફેરફાર કરી રાજ્ય સરકારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી 7 ઝોન હતા, હવે ઝોન 8 બનશે. ઝોન-8ના DCP તરીકે મયૂર પાટીલની નિમણૂક કરવામાં આવી છે.
મયૂર પાટીલ ગુજરાત કેડર 2014ની બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ ગાંધીનગર ડીજીપી કાર્યાલયમાં એસપી, લૉ એન્ડ ઓર્ડર તરીકે તૈનાત હતા. તેમણે પૂર્વ કચ્છના એસપી તરીકે પણ કામ કર્યું છે. આ ઉપરાંત એસપી (પશ્ચિમ રેલવે) તરીકે પણ સેવા આપી છે.