લખનઊ: ગુરુવારે અહીં લખનઊ અને બેંગલૂરુ વચ્ચે આઈપીએલની જે મૅચ રમાઈ હતી ત્યારે મેદાન પર એક ચોંકાવનારી અને આઘાતજનક ઘટના બની હતી. આ બનાવની વિગતો, વીડિયો તેમ જ ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા છે. લખનઊએ આ મૅચ નવ રનથી જીતી લીધી હતી.
લખનઊનો બૅટ્સમૅન નિકોલસ પૂરન બૅટિંગ કરવા આવ્યો ત્યારે બેંગ્લૂરુના ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાથી પહેલો બૉલ ખૂબ બાઉન્સ થયો હતો. આ બાઉન્સર પછી કૃણાલના બીજા બૉલમાં પૂરને દોડીને એક રન લીધો ત્યાર બાદ નૉન-સ્ટ્રાઈક એન્ડ પર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત ત્યારે ત્યાં જ પૂરી થઈ ગઈ હતી એવું લાગતું હતું.
જોકે મૅચના બે દિવસ બાદ વાઈરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું કે એ મૅચ પછી મેદાન પર કૃણાલ અને પૂરન (Pooran) વચ્ચે થોડી ઉગ્ર ચર્ચા થતી જોવા મળી હતી. પૂરન ક્રોધમાં અને કૃણાલને કંઈક ધમકી આપી રહેલો દેખાયો હતો અને કૃણાલ (Krunal)નો કૉલર પકડીને તેને દૂર ધકેલ્યો હતો.
Nicholas Pooran and Krunal Pandya having a friendly banter? 😳 pic.twitter.com/hyYoj2J0d7
— Deepu (@deepu_drops) May 8, 2026
આસપાસ ઊભેલા બીજા ખેલાડીઓ આ બનાવમાં ખાસ કંઈ સામેલ થયેલા દેખાયા નહોતા એટલે મામલો બહુ ગંભીર નહોતો એવું લાગ્યું હતું. લખનઊની ટીમના હેડ-કોચ જસ્ટિન લેન્ગર દોડી આવ્યા હતા અને બંને સાથે વાતચીત કરી હતી.
થોડીવાર પછી કૃણાલ અને પૂરન વચ્ચે ઘણી વાતચીત થઈ હતી અને બંને જણ હસી રહ્યા હતા એટલે એવું લાગ્યું કે મામલો જરાય ગંભીર નથી.
કૃણાલ પંડ્યાએ પછીથી ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં ‘નો લફડા' એવું જણાવ્યું હતું જેને લીધે અસંખ્ય ક્રિકેટ ચાહકોની ચિંતા દૂર થઈ હતી. પોસ્ટમાં તેણે આ મુજબ જણાવ્યું હતું, ‘નો લફડા (નો ટ્રબલ). ઓન્લી લવ. મારા મિત્ર નિકોલસ પૂરનને 100મી આઇપીએલ મૅચ પૂરી કરવા બદલ અભિનંદન. દોસ્ત, મને તારા પર ગર્વ છે. આશા રાખું છું કે તું હજી બીજી અનેક મૅચો રમે. પણ, મારો પેલો બાઉન્સર કેવો હતો?'
ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર નિકોલસ પૂરને પણ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી જેમાં તેમણે જણાવ્યું હતું, ‘અમારી વચ્ચે કોઈ ખટપટ નહોતી થઈ. મિત્રો, અમે તો માત્ર મજાક કરી રહ્યા હતા. મારા જેટલા બેસ્ટ ફ્રેન્ડસ છે એમાં કૃણાલ પણ સામેલ છે.'