Tue Oct 06 2026

Logo

આઈપીએલનો ધમધમાટઃ મુંબઈ ઈન્ડિયન્સને મળ્યા નવા હેડ કોચ, કોને લાગી લોટરી?

2026-09-24 15:25:00
Author: Ajay Motiwala
આઈપીએલનો ધમધમાટઃ મુંબઈ ઈન્ડિયન્સને મળ્યા નવા હેડ કોચ, કોને લાગી લોટરી?

મુંબઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ તાજેતરમાં નવા હેડ કોચની નિમણૂક કર્યા પછી હવે મુંબઈ ઈન્ડિયન્સ રેસમાં આવ્યું છે. આઈપીએલ 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સે મોટો નિર્ણય લીધો હતો. જોકે, હાલના તબક્કે મુંબઈ ઈન્ડિયન્સએ મહિલા પ્રીમિયર લીગ 2027 માટે ઑસ્ટ્રેલિયાના લ્યૂક વિલિયમ્સની હેડ કૉચ તરીકે નિમણૂક કરી હતી.
 
ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં જણાવ્યું કે, લિસા કીટલીએ તેમનું પદ છોડવાનો નિર્ણય કર્યો હતો, જે બાદ નવા કોચની નિમણૂક કરવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ગત વર્ષે જ લિસા કીટલીની હેડ કૉચ તરીકે વરણી કરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું લિસા કીટલીએ ટીમના હેડ કૉચ પદથી આગળ વધવાનો નિર્ણય કર્યો છે. તેમના સ્થાને લ્યૂક વિલિયમ્સને 2027 મહિલા પ્રીમિયર લીગ માટે કૉચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ઑસ્ટ્રેલિયાના કીટલી કોચ હતા ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ પાંચ ટીમોમાં ચોથા સ્થાને રહી હતી, જે લીગમાં આ ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. 2023 અને 2025માં મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સ 2024માં એલિમિનેટર સુધી પહોંચી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમના નવા હેડ કોચ બનેલા વિલિયમ્સે કહ્યું, અમારી ટીમ પાસે સાથે મળીને કંઈક ખાસ તૈયાર કરવાની સાથે રોમાંચક અંદાજમાં ક્રિકેટ રમવાની અને સફળતા માટે સ્પર્ધા કરવાની શાનદાર તક છે. 

વિલિયમ્સ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુના હેડ કોચ હતા, તેમના માર્ગદર્શન હેઠળ આરસીબીએ પોતાનો પહેલો ખિતાબ જીત્યો હતો. આ પહેલાં આરસીબીની પુરુષ ટીમ પણ ખિતાબ જીતી શકી નહોતી. તેઓ વિમેન્સ 'બિગ બેશ લીગ'માં એડિલેડ સ્ટ્રાઈકર્સ અને વિમેન્સ 'ધ હન્ડ્રેડ'માં સધર્ન બ્રેવ ટીમના હેડ કોચની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમનાં માલિક નીતા અંબાણીએ કહ્યું, લ્યુક વિલિયમ્સ એક સફળ કોચ છે. તેઓ પોતાની સાથે બહોળો અનુભવ, મહિલા ક્રિકેટની ઊંડી સમજ અને ખેલાડીઓના વિકાસ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા લઈને આવ્યા છે. લ્યુકે 2005-06, 2007-08 અને 2009-10માં ગ્રેડ ક્રિકેટનો પ્રતિષ્ઠિત બ્રેડમેન મેડલ ત્રણ વખત જીત્યો છે.