Sun Mar 08 2026

Logo

આઇપીએલની ડેટ આવી ગઈઃ આ તારીખે પ્રથમ મૅચ, ફાઇનલનો દિવસ પણ નક્કી થઈ ગયો

1 week ago
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝનની તારીખો બહાર આવી ગઈ છે. આ વખતે આ ટૂર્નામેન્ટ 28મી માર્ચે શરૂ થશે અને ફાઇનલ 31મી મેએ રમાશે. આસામ, તમિળનાડુ અને પશ્ચિમ બંગાળ રાજ્યની વિધાનસભાની ચૂંટણી (Election) આવી રહી હોવાથી આઇપીએલની તારીખોની જાહેરાત વિલંબમાં મૂકાઈ હતી.

એક અહેવાલ મુજબ આઇપીએલના ગવર્નિંગ બોર્ડે તમામ 10 ફ્રૅન્ચાઇઝીઓને અગાઉ જણાવ્યું હતું કે આઇપીએલ-2026ની સીઝન 26મી માર્ચે શરૂ થશે, પણ તારીખમાં નજીવો ફેરફાર થયો છે અને આ ટૂર્નામેન્ટનો આરંભ 28મી માર્ચે થશે.

ક્રિકેટ જગતની આ સૌથી લોકપ્રિય ટી-20 લીગ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવશે. ત્રણેય રાજ્યની ચૂંટણીની તારીખો હજી જાહેર નથી કરવામાં આવી એટલે આઇપીએલનું સંપૂર્ણ સમયપત્રક પણ હજી જાહેર નથી કરી શકાયું.

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ માટે ચેન્નઈ હોમ-સિટી છે અને કોલકાતા નાઇટ રાઇડર્સ માટે કોલકાતા બેઝ છે. આ બન્ને ટીમના શહેરમાં ચૂંટણી યોજાવાની હોવાથી સમયપત્રકની જાહેરાતને અસર થઈ રહી છે. ગુવાહાટી આસામ રાજ્યમાં છે અને એ શહેર રાજસ્થાન રૉયલ્સ માટે બીજા નંબરનું સ્થળ કહેવાય છે એટલે ત્યાં પણ ચૂંટણી યોજાવાની હોવાથી ગુવાહાટીને ક્યારે કઈ મૅચ આપવી એ હજી નક્કી નથી થઈ શક્યું.

આઇપીએલની પ્રથમ મૅચ ક્યાં રમાશે એ સ્થળ હજી નક્કી નથી. છેલ્લે બેન્ગલૂરુએ 2025માં ટાઇટલ જીત્યું હતું એટલે એના હોમ-સ્ટેટમાં એની પ્રારંભિક મૅચ રમાવી જોઈએ, પરંતુ 2025ની આઇપીએલ બાદ બેંગ્લૂરુના સ્ટેડિયમની બહાર 11 વ્યક્તિનો જીવ લેનાર નાસભાગની જે ગોઝારી ઘટના બની હતી એને લીધે આ વખતે એ સ્ટેડિયમને પ્રથમ મૅચ મળશે કે કેમ એ હજી નક્કી નથી.