Thu May 07 2026

Logo

ઋતુરાજ અને નીતીશ રાણાને નિયમભંગ બદલ સજા, મેચ દરમિયાન કરી નાંખી હતી મોટી ભૂલ

2026-04-12 20:52:02
Author: Mumbai Samachar Team
Article Image

ચેન્નઈઃ આઈપીએલ 2026માં નિયમોના ઉલ્લંઘનને લઈને ખેલાડીઓ અને કેપ્ટનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને દિલ્હી કેપિટલ્સના નીતીશ રાણા પર આચાર સંહિતાના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડ પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

સ્લો ઓવર રેટ માટે દોષિત
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને સ્લો ઓવર રેટ માટે દોષિત ઠેરવવામાં આવી છે.આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ 2.22 હેઠળ આ સીઝનમાં સીએસકેની આ પ્રથમ ભૂલ છે, જેના કારણે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પર 12 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. ઋતુરાજ આ સીઝનમાં સ્લો ઓવર રેટ માટે સજા પામનાર ત્રીજા કેપ્ટન બન્યા છે. અગાઉ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર પર બે વાર અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ પર એક વાર આ જ કારણસર 12 લાખનો દંડ થઈ ચૂક્યો છે.

મેદાન બહાર હોવા છતાં નીતીશ રાણાને સજા
બીજી તરફ, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતીશ રાણાને ફોર્થ અમ્પાયર સાથે દલીલબાજી કરવી મોંઘી પડી છે. નીતીશ રાણા ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ટીમનો સારો ખેલાડી રહ્યો છે. મેદાન પર રમવા પણ ઉતર્યો ન હતો, તેમ છતાં તેમની મેચ ફીના 25 ટકા કાપી લેવામાં આવ્યા છે અને તેમના ખાતામાં 1 ડિમેરિટ પોઈન્ટ પણ ગણી લેવાયો છે. આ કારણે તે સજા ભોગવશે.

શું હતી સમગ્ર ઘટના?
દિલ્હીની ઇનિંગની 19મી ઓવર દરમિયાન આ વિવાદ સર્જાયો હતો. દિલ્હીનો બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સ ગ્લવ્ઝ બદલવા માંગતો હતો,પરંતુ ફોર્થ અમ્પાયરે તેને તેમ કરવાની મનાઈ કરી દીધી હતી. આ જ ઓવરમાં સ્ટબ્સ કેચ આઉટ થયો હતો, જેનાથી નારાજ થઈને નીતીશ રાણા અને ટીમના કોચ ફોર્થ અમ્પાયર સાથે ઉગ્ર દલીલો કરતા જોવા મળ્યા હતા. અમ્પાયર પ્રત્યેના આ વર્તનને આઈપીએલના નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું છે.જેના કારણે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા હતા.