મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો રમાયો હતો. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 220 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 224 રન બનાવી વિજય હાંસલ કર્યો હતો. મુંબઈની જીતમાં રોહિત શર્મા અને રાયન રિકલ્ટનનું મુખ્ય યોગદાન હતું. રોહિતે 38 બોલમાં છ છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી 78 રન અને રિકલ્ટન 43 બોલમાં આઠ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદથી 81 રન બનાવ્યા હતા. આ મેચમાં રોહિત શર્માએ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની સાથે કેટલાક અન્ય રેકોર્ડ પણ બનાવ્યા હતા.

રોહિતે કોહલીનો આ રેકોર્ડ તોડ્યો
કોલકાતા સામે 78 રનની ઈનિંગ દરમિયાન રોહિત શર્માએ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ પણ તોડ્યો હતો. તે આઈપીએલમાં કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બન્યો હતો. પંજાબ સામે વિરાટો 1159 રન બનાવ્યા છે. જ્યારે રોહિતના હવે કોલકાતા સામે 1161 રન થઈ ગયા છે.
T20માં 550 છગ્ગા
T20 ક્રિકેટમાં રોહિત શર્માના 550 છગ્ગા પૂરા થઈ ગયા છે. . તે આવું કરનારો એશિયાનો પ્રથમ બેટ્સમેન છે. તેણે કોલકાતા સામે છ છગ્ગા ફટકાર્યા હતા.
રોહિતે પોતાનો જ 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
રોહિત શર્માએ કેકેઆર સામેના મુકાબલામાં માત્ર 23 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. જે આઈપીએલના ઈતિહાસમાં તેની સૌથી ઝડપી ફિફ્ટી હતી. આ પહેલા રોહિતે 2015માં આઈપીએલ ફાઈનલમાં 25 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. 11 વર્ષ બાદ પોતાનો જ રેકોર્ડ તોડતાં તેણે 23 બોલમાં ફિફ્ટી મારી હતી.
સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનારો ચોથો બેટ્સમેન
આ ઉપરાંત રોહિત શર્મા આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનારા બેટ્સમેનના લિસ્ટમાં ચોથા ક્રમે પહોંચી ગયો છે. લિસ્ટમાં કોહલી પ્રથમ ક્રમે છે. તેણે 72 વખત 50 પ્લસ સ્કોર બનાવ્યો છે. બીજા ક્રમે ડેવિડ વોર્નર છે, તેણે 66 વખત આ પરાક્રમ કર્યું છે. જ્યારે શિખર ધવને 53 વખત આ કારનામું કર્યું છે. કેએલ રાહુલ 45 વખત 50 પ્લસ સ્કોર સાથે પાંચમા ક્રમે છે.
મુંબઈ માટે આઈપીએલમાં ત્રીજી સૌથી મોટી પાર્ટનરશિપ
રોહિત શર્મા અને રિયાન રિકલ્ટને મુંબઈ માટે આઈપીએલમાં ત્રીજી સૌથી મોટી પાર્ટનરશિપ નોંધાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 148 રન જોડ્યા હતા. 2012માં રોહિત શર્મા અને ગિબ્સે કેકેઆર સામે બીજી વિકેટ માટે અણનમ 167 રન બનાવ્યા હતા. જે મુંબઈ માટે આઈપીએલમાં સૌથી મોટી ભાગીદારી છે. આ ઉપરાંત 2012માં ડ્વેન સ્મિથ અને તેંડુલકરે રાજસ્થાન સામે પ્રથમ વિકેટ માટે અણનમ 163 રનની પાર્ટનરશિપ કરી હતી.