મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 19મી સિઝન જેમ જેમ તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, તેમ તેમ પ્લે ઓફ માટેની રેસ વધુ રસપ્રદ બની રહી છે. ગઈ કાલે મંગળવારે ટુર્નામેન્ટની 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સ(GT)એ સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH) સામે 82 રનની શાનદાર જીત મેળવી. આ સાથે જ GT પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું છે.
IPL 2026માં 12 મેચમાંથી 8 મેચ જીતીને GT પાસે 16 પોઈન્ટ છે, સામાન્ય રીતે 16 પોઈન્ટને પ્લેઓફના સ્થાન સુનિશ્ચિત કરવા માટેનો જાદુઈ આંકડો માનવામાં આવે છે, આમ પ્લે ઓફમાં GTનું સ્થાન લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
IPLના ઓફિશિયલ બ્રોડકાસ્ટર્સ મુજબ પ્લે ઓફમાં GT ની ક્વોલિફાય થવાની સંભાવના 94.9 ટકા થઈ ગઈ છે. GT સામેની મેચ પહેલા, SRH ની ક્વોલિફાય થવાની સંભાવના 80 ટકા હતી, પરંતુ 82 રનથી કારમી હાર મળ્યા બાદ આ સંભાવતા ઘટીને 65.7 ટકા થઈ ગઈ છે.
પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહેલી રોયલ ચેલેન્જ બેંગલુરુ(RCB) ની પ્લે ઓફમાં પહોંચવાની સંભવાના 80.1 ટકાથી ઘટીને 79.7 ટકા થઈ ગઈ છે. ચોથા ક્રમે રહેલી પંજાબ કિંગ્સ(PBKS)ની સંભાવના 62.5 થી વધીને 62.7 થઈ ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ની સંભાવના 42.7 થી થોડી વધીને 42.8 ટકા થઈ ગઈ છે.
GTનું શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન:
ગઈ કાલની મેચની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સે સાઈ સુદર્શન (61) અને વોશિંગ્ટન સુંદર (50) ની ઇનિંગ્સની મદદથી સાત વિકેટના નુકસાન સાથે 168 રનનો ટોટલ બનાવ્યો. કાગીસો રબાડા SRH ના ટોપ ઓર્ડરને ખખડાવી નાખ્યો, તેણે 28 રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે જેસન હોલ્ડરે 20 રન આપીને 3 વિકેટ લીધી.
169 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતારેલી SRHની આખી ટીમ 14.5 ઓવરમાં માત્ર 86 રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ.
આ શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન સાથે GTએ સતત પાંચમી જીત નોંધાવી.