Tue Apr 28 2026

Logo

ઇતિહાસ રાજસ્થાનની તરફેણમાંઃ પંજાબનો વિજયરથ રોકવો મુશ્કેલ છે, પણ અસંભવ નથી

2026-04-28 18:00:35
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ ચંડીગઢઃ અહીં મુલ્લાંપુરમાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) યજમાન પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે જે મૅચ રમાશે એ આ વખતના ટૂર્નામેન્ટમાં નવો વળાંક લાવી શકે, કારણકે શ્રેયસ ઐયરના નેતૃત્વમાં પંજાબને હજી સુધી કોઈ પણ ટીમ હરાવી નથી શકી અને જો રિયાન પરાગના સુકાનમાં રાજસ્થાનની ટીમ હરાવશે તો પંજાબની ટીમે નવી વ્યૂહરચના ઘડીને પછીની મૅચોમાં રમવું પડશે. ઇતિહાસ રાજસ્થાનની તરફેરમાં છે. પંજાબનો વિજયરથ રોકવો મુશ્કેલ છે, પરંતુ અસંભવ નથી.

હેડ-ટૂ-હેડ મુકાબલા

આઇપીએલ (IPL)ના ઇતિહાસમાં બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 30 મૅચ રમાઈ છે જેમાંથી 17 રાજસ્થાને અને 13 પંજાબે જીતી છે. વર્તમાન ટૂર્નામેન્ટમાં પંજાબ 13 પૉઇન્ટ સાથે અપરાજિત અને મોખરે છે, જ્યારે રાજસ્થાન પાંચ જીત અને ત્રણ હાર બાદ 10 પૉઇન્ટ સાથે ચોથા ક્રમે છે.

શનિવારે દિલ્હી (2/264) સામે વિક્રમજનક સફળ ચેઝ (4/265) સાથે રેકૉર્ડ-બુકમાં આવી જનાર પંજાબનું રનમશીન ગયા વર્ષથી જ ખૂબ સક્રિય છે. 2025ની આઇપીએલમાં પંજાબે 3,140 રન કર્યા હતા અને એક સીઝનમાં કોઈ એક ટીમે બનાવેલા સૌથી વધુ રનમાં આ વિક્રમ છે. આ વખતે શ્રેયસ ઐયરની ટીમ પોતાને નવા ઉપલા સ્તર સુધી લઈ ગઈ છે. આ ટીમે ઓવર દીઠ 11.74ના રેટથી રન કર્યા છે. આઇપીએલમાં ક્યારેય કોઈ ટીમ આટલી ઝડપથી રન નથી કરી શકી. પંજાબની વિકેટ દીઠ બૅટિંગ-સરેરાશ 43.83 છે જે આઇપીએલમાં વિક્રમજનક છે.

રાજસ્થાનને પ્રથમ બૅટિંગ મળશે તો વૈભવ સૂર્યવંશી તથા યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ સહિતના બૅટ્સમેનોને ફરી એક વખત 200-પ્લસના ટોટલનો મોકો મળશે અને પછી જોફ્રા આર્ચર, ઍન્ડ્રે બર્ગર, રવીન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે વગેરે બોલર્સ પંજાબની મજબૂત ઓપનિંગ જોડી અને મિડલ-ઑર્ડરના બૅટ્સમેનોને કાબૂમાં રાખીને તેમને આ વખતે પહેલો પરાજય જોવડાવી શકશે.

કઈ ત્રણ મોટી ટક્કર જોવા મળી શકે?

જોફ્રા આર્ચર વિરુદ્ધ પ્રિયાંશ આર્ય
શ્રેયસ ઐયર વિરુદ્ધ રવીન્દ્ર જાડેજા
વૈભવ સૂર્યવંશી વિરુદ્ધ અર્શદીપ સિંહ

બન્નેની સંભવિત ટીમ

પંજાબઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, કૂપર કૉનોલી, નેહલ વઢેરા, માર્કસ સ્ટોઇનિસ, શશાંક સિંહ, માર્કો યેનસેન, ઝેવિયર બાર્ટલેટ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને (12મો પ્લેયર) વિજયકુમાર વૈશાક.

રાજસ્થાનઃ રિયાન પરાગ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), ડૉનોવાન ફરેરા, શિમરૉન હેટમાયર/લુઆન-ડ્રે પ્રીટોરિયસ, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, બ્રિજેશ શર્મા, નેન્ડ્રે બર્ગર અને (12મો પ્લેયર) રવિ બિશ્નોઈ.