Thu May 14 2026

Logo

IPL 2026: 13 બોલમાં ફિફ્ટી ઠોકનારા મહેસાણાના ઉર્વિલે ગોગા અને કઈ માતાજીઓના આશિર્વાદ હોવાનો કાગળ બતાવ્યો ?

2026-05-11 09:36:00
Author: Mayur Patel
Article Image

ચેન્નઈઃ IPL 2026માં લખનઊ સુપર જાયન્ટ્સ સામે રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સના 27 વર્ષીય વિકેટકીપર-બૅટ્સમૅન ઉર્વિલ પટેલે માત્ર 13 બૉલમાં ફિફ્ટી ફટકારી હતી. મૂળ મહેસાણાના ઉર્વિલ પટેલે ફિફ્ટી ઠોક્યા બાદ માતાજીઓના આશિર્વાદ હોવાનો કાગળ બતાવ્યો હતો. તેણે  કાગળમાં લખ્યું હતું, પપ્પા આ તમારા માટે. સધી, જોગણી, ચેહર, ગોગા, સિકોતર માના આશિર્વાદથી. ઉર્વિલનું આ અનોખું અને ભાવિક સેલિબ્રેશન સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.

ઉર્વિલે કોને સમર્પિત કરી ફિફ્ટી

ઉર્વિલના પિતા મુકેશ પટેલ વડનગરમાં શિક્ષક તરીકે કાર્યરત છે.  મુકેશ પટેલ મહેસાણામાં શારીરિક તાલીમ શિક્ષક તરીકે કામ કરતા હતા ત્યારે પોતે પણ ક્રિકેટર બનવાની ઇચ્છા રાખતા હતા. પરંતુ સપનું સાકાર ન થતાં ઉર્વિલને તેના પિતાએ જ ક્રિકેટની તાલીમ આપી હતી. એટલા માટે જ તેણે પિતાને સમર્પિત કરેલી હતી.  

ઉર્વિલ પટેલનું કેવું છે કરિયર

27 વર્ષીય ઉર્વિલને  ચેન્નઈ સુપર કિંગ્સે 30 લાખમાં ખરીદ્યો હતો.  ગુજરાત અને બરોડા માટે ઘરેલુ ક્રિકેટ રમનાર ઉર્વિલએ ગયા સીઝનમાં, એટલે કે 2026માં ચેન્નઈ તરફથી રમતા IPLમાં ડેબ્યૂ કર્યું હતું. અગાઉ, ગુજરાત ટાઇટન્સે 2023 સીઝન માટે ઉર્વિલને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કે ઉર્વિલને ગુજરાતમાં તક મળી ન હતી, તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. પરંતુ ચેન્નઈમાં જોડાયા પછી, ઉર્વિલનું નસીબ બદલાઈ ગયું હોય તેવું લાગતું હતું.

ગુજરાતે 2023 સીઝન પછી ઉર્વિલને રિલીઝ કર્યો. 2024ની હરાજીમાં તે વેચાયો ન હતો. ત્યારબાદ, મે 2025માં, ચેન્નાઈએ ઘાયલ વંશ બેદીના સ્થાને ઉર્વિલને કરારબદ્ધ કર્યો હતો. ચેન્નઈએ ઉર્વિલને 30 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો.

2025 સીઝનમાં, તેણે 7 મેના રોજ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેની પહેલી જ મેચમાં, તેણે 11 બોલમાં 31 રન બનાવીને તેની બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. ઉર્વિલે તેના ઘરેલું ક્રિકેટના દિવસોથી જ એક શક્તિશાળી બેટ્સમેન તરીકે પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરી હતી. અત્યાર સુધીમાં તેણે 7 આઈપીએલ મેચમાં 225.3ના સ્ટ્રાઈક રેટથી 178 રન બનાવ્યા છે. ગઈકાલે લખનઊ સુપર જાયન્ટ્સ સામે ગઈકાલે બનાવેલા 65 રન તેનો સર્વોચ્ચ સ્કોર  છે.

ઉર્વિલની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 16 ફર્સ્ટ-ક્લાસ, 29 લિસ્ટ A અને 60 T20 મેચ રમી છે. તેણે 27 ફર્સ્ટ-ક્લાસ ઇનિંગ્સમાં 837 રન બનાવ્યા છે. તેણે 28 લિસ્ટ A ઇનિંગ્સમાં 942 રન બનાવ્યા છે. ઉર્વિલ બાકીની 60 T20 ઇનિંગ્સમાં 1470 રન બનાવ્યા છે.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉર્વિલના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી અને તેને સતત સફળતા મળતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. એક ટ્વીટમાં, મુખ્ય પ્રધાન આ યુવા ક્રિકેટરની વિસ્ફોટક ઇનિંગના વખાણ કર્યા અને કહ્યું કે, આવી સિદ્ધિઓ રાજ્યના રમતગમત ક્ષેત્રના વારસાને વધુ ગૌરવ અપાવે છે.