Sat Jun 20 2026

Logo

મિચલ માર્શની સેન્ચુરીએ લખનઊને ટૂર્નામેન્ટની બહાર જતાં રોક્યું

2026-05-08 12:46:00
Author: Ajay Motiwala
Article Image

પંતની ટીમનો સતત છ હાર બાદ પ્રથમ વિજય: કોહલીનો ત્રણ વર્ષમાં પહેલો ઝીરો


લખનઊઃ ગુરુવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગ્લૂરુ (Bengaluru) સામે લખનઊ (Lucknow)એ વરસાદને લીધે 19-19 ઓવરની થઈ ગયેલી રોમાંચક મૅચમાં (ડક્વર્થ-લુઇસ પદ્ધતિ મુજબ) નવ રનથી વિજય મેળવીને પ્લે-ઑફની નજીવી આશા જીવંત રાખી હતી. લખનઊની ટીમ સતત છ મૅચ હાર્યા બાદ પહેલી વખત જીતવામાં સફળ થઈ.

લખનઊનો ઓપનિંગ બૅટ્સમૅન મિચલ માર્શ (111 રન, 56 બૉલ, નવ સિક્સર, નવ ફોર) આ મુકાબલાનો સુપરસ્ટાર હતો. લખનઊના 209 રનમાંથી 111 રન માર્શ (Marsh)ના હતા.

લખનઊએ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ વરસાદના વિઘ્નો વચ્ચે નિર્ધારિત 19 ઓવરમાં ત્રણ વિકેટે 209 રન બનાવ્યા હતા. બેંગલૂરુની ટીમ 19 ઓવરમાં છ વિકેટે 203 રન કરી શકી હતી, પરંતુ ડકવર્ડ-લુઇસ મેથડ મુજબ લખનઊને નવ રનથી વિજેતા ઘોષિત કરવામાં આવ્યું હતું.

કેપ્ટન રજત પાટીદાર (61 રન,  31 બૉલ, છ સિક્સર, ત્રણ ફોર)નું બેંગ્લૂરુની ટીમમાં સૌથી મોટું યોગદાન હતું. ટિમ ડેવિડ (40 રન, 17 બૉલ, ત્રણ સિકસર, ચાર ફોર), કૃણાલ પંડ્યા (28 અણનમ, 16 બૉલ, બે સિકસર, બે ફોર) અને રોમારિયો શેફર્ડ (23 અણનમ, 15 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) પણ બેંગ્લૂરુને નહોતા જિતાડી શક્યા. 24 વર્ષનો ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ (4-0-33-3) લખનઊનો સૌથી સફળ બોલર હતો. સ્પિનર શાહબાઝ અહમદને આ વખતે બીજી જ મૅચ રમવા મળી અને એમાં તેણે બે વિકેટ લઈને હરીફ ટીમ પર ધારી છાપ પાડી હતી. અનુભવી પેસ બોલર મોહમ્મદ શમીને એક વિકેટ મળી હતી.
Image credit:BCCI

કિંગ વિરુદ્ધ પ્રિન્સ: કોહલીનો ત્રણ વર્ષે ઝીરો

બેંગ્લૂરુની ટીમને 210 રનનો લક્ષ્યાંક મળ્યો ત્યાર બાદ બેંગ્લૂરુએ ધબડકા સાથે શરૂઆત કરી હતી. નવ રનમાં પ્રવાસી ટીમે જેકબ બેથેલ (ચાર રન) અને ‘કિંગ કોહલી' તરીકે જાણીતા વિરાટ કોહલી (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. બેથેલને મોહમ્મદ શમીએ પ્રિન્સ યાદવના હાથમાં કૅચઆઉટ કરાવ્યો ત્યાર બાદ પ્રિન્સ યાદવની ઓવરમાં કોહલી ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તે પોતાના બીજા જ બૉલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. પ્રિન્સ યાદવે કલાકે 140 કિલોમીટરની ઝડપવાળો બૉલ ફેંક્યો હતો. ઑફ સ્ટમ્પની બહારના એ બૉલને કોહલી આગળ આવીને રમવા ગયો હતો, પરંતુ ઇન્સાઇડ એજ બાદ બૉલ સ્ટમ્પ્સ પર ગયો હતો અને તેનું ઑફ સ્ટમ્પ નીકળી ગયું હતું. કોહલી 2023ની સાલ બાદ પહેલી વખત શૂન્યમાં આઉટ થયો.
Image Credit: BCCI

બેંગ્લૂરુ માટે જીતવું મુશ્કેલ જ હતું

બેંગ્લૂરુએ શરૂઆતથી જ 11.00 જેટલા રેટથી રન બનાવવા પડે એવી હાલત હતી, કારણકે લખનઊએ એને 19 ઓવરમાં 209 રન બનાવવાનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.

લખનઊના 209 રનના ટીમ સ્કોરમાં મિચલ માર્શ (111 રન)નું સૌથી મોટું યોગદાન હતું. નિકોલસ પૂરન 38 રન કરીને આઉટ થયા બાદ કૅપ્ટન રિષભ પંત 32 રને અણનમ રહ્યો હતો. એ પહેલાં, અર્શિન કુલકર્ણી (17 રન) અને માર્શ વચ્ચે 95 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. જૉશ હૅઝલવૂડ, રસિખ સલામ અને કૃણાલ પંડ્યાને એક-એક વિકેટ મળી હતી. લખનઊએ પ્લે-ઑફની રહીસહી આશા જીવંત રાખવા આ મૅચ જીતવી ખૂબ જરૂરી હતી અને એમાં એને સફળતા મળી.