Fri Sep 11 2026

Logo

KKR vs LSG: કેચ કે સિક્સ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી KKR નારાજ, જાણો શું છે મામલો

2026-04-10 13:04:00
Author: Savan Zalariya
KKR vs LSG: કેચ કે સિક્સ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી KKR નારાજ, જાણો શું છે મામલો

કોલકાતા: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 15મી મેચ ગઈ કાલે ગુરુવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમાં કોલકાતા નાઈટ રાઇડર્સ(KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ હતી. આ રસાકસી ભરી મેચમાં LSGએ ત્રણ વિકેટે જીત મેળવી, આ મેચમાં એક મોટો વિવાદ સર્જાયો. LSGના દિગ્વેશ રાઠીએ KKRના બેટર ફિન એલનનો પકડેલો કેચ વિવાદના કેન્દ્રમાં છે, KKRએ અમ્પાયરિંગ પ્રત્યે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. 

ટોસ હાર્યા બાદ KKR પહેલા બેટિંગ કરવા ઉતરી. પ્રિન્સ યાદવ LSG તરફથી બીજી ઓવર ફેંકવા આવ્યો., ચોથો બોલ ફિન એલનના બેટના ટોપ એજ પર અડીને થર્ડ-મેન રિજન તરફ ગયો, ત્યાં ઉભેલા LSGના ફિલ્ડર દિગ્વેશ રાઠીએ બાઉન્ડ્રી પાસે બોલ કેચ કર્યો, પરંતુ કેચ પકડતી વખતે તેનો પગ બાઉન્ડ્રી લાઈનને  અડી ગયો હોય તેવું લાગ્યું. આમ છતાં, થર્ડ અમ્પાયર કે.એન. અનંત પદ્મનાભને વધુ સમીક્ષા કર્યા વગર એલનને આઉટ જાહેર કર્યો.

પોવેલે નારાજગી વ્યક્ત કરી:
મેચ પત્યા બાદ રોમેન પોવેલે થર્ડ અમ્પાયરના નિર્ણય સામે પ્રશ્ન ઉઠાવ્યો. તેણે કહ્યું કે IPLમાં અમ્પાયરો નાની બાબતો માટે પણ થર્ડ અમ્પાયર પાસે જાય છે, થર્ડ અમ્પાયરે વધુ ધ્યાન આપવું જોઈતું હતું. આજે રાત્રે KKRને 2 પોઈન્ટનું નુકશાન ગયું. 
 

KKRના ચાહકોએ રોષ ઠાલવ્યો:
રિપ્લેમાં જોવા મળે છે કે કેચ કરતી વખતે દિગ્વેશનો ડાબો પગ બાઉન્ડ્રી રોપની ખુબ જ નજીક હતો, કેટલાક લોકો માને છે કે તેનો પગ રોપને અડી ગયો હતો. જો ફિન એલન નોટ આઉટ આપવા આવ્યો હોત તો KKR વધુ રન બનાવી શકી હોત અને કદાચ મેચ પણ જીતી શકી હોત. 
 

સોશિયલ મીડિયા પર KKRના ચાહકો રોષ ઠાલવી રહ્યા છે, ઘણા યુઝર્સ IPL દરમિયાન અમ્પાયરિંગની ગુણવત્તાની ટીકા કરી હતી. અગાઉ પણ IPL 2026 દરમિયાન અમ્પાયરના નિર્ણયો સામે સવાલો ઉઠ્યા હતાં. અગાઉ, ફિલ સોલ્ટ દ્વારા મિડવિકેટ બાઉન્ડ્રી નજીક હેનરિક ક્લાસેનને કેચ વિવાદમાં આવ્યો હતો.