Fri Apr 17 2026

Logo

ગિલ-ક્રિષ્નાએ જાળ બિછાવી અને મિલર આબાદ સપડાઈ ગયો, જાણો છેલ્લા બૉલના રોમાંચમાં શું બન્યું...

2026-04-09 13:14:00
Author: Ajay Motiwala
Article Image

Image credit: BCCI


નવી દિલ્હી: બુધવારે અહીં દિલ્હી કેપિટલ્સના બૅટ્સમૅન ડેવિડ મિલર (David Miller)ને ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં 20મી ઓવરના પાંચમા બૉલમાં રન દોડીને બંને ટીમનો સ્કોર બરાબરીમાં લાવવાની તક હતી, પરંતુ એ તક તેણે ગુમાવી હતી અને મૅચના અંતિમ બૉલમાં તે શુભમન ગિલ (Gill) અને પ્રસિદ્ધ ક્રિષ્ના (Krishna)ની જાળમાં આબાદ ફસાઈ ગયો હતો જેને લીધે દિલ્હીએ હાર જોવી પડી હતી.

મિલરે શું ગરબડ કરી નાખી?

યજમાન દિલ્હીને જીતવા માટે 211નો લક્ષ્યાંક મળ્યો હતો. 20મી ઓવર પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ કરી હતી. પાંચમા બૉલ પહેલાં દિલ્હીનો સ્કોર 7/209 હતો. જીતવા માટે ફક્ત બે રન કરવાના હતા, પણ ડેવિડ મિલરે સિંગલ દોડવાની સારી તક મળી હતી છતાં કુલદીપ યાદવને પાછા જતા રહેવા કહ્યું હતું. મિલરનો પ્લાન છેલ્લા બૉલમાં બે રન કરી નાખવાનો હતો. જો મિલરે પાંચમા બૉલમાં એક રન લઈ લીધો હોત તો મૅચ ટાઈ થઈ હોત અને અંતિમ બૉલમાં કુલદીપ યાદવે એક રન કદાચ બનાવી લીધો હોત અને દિલ્હી જીતી ગયું હોત.

...તો મૅચ સુપર ઓવરમાં ગઈ હોત

જોકે મામલો મૅચના અંતિમ બૉલ સુધી પહોંચ્યો હતો. આ મૅચ ટાઈ થઈ શકી હોત. ક્રિષ્નાએ ત્યારે સ્લો બાઉન્સર ફેંક્યો હતો. મિલર શૉટ મારવાનું ચૂક્યો હતો, પરંતુ રન લેવા દોડ્યો અને સામેથી આવેલો કુલદીપ યાદવ ક્રીઝમાં ન પહોંચી શકતા વિકેટકીપર જોસ બટલરે તેને રનઆઉટ કરી દીધો હતો.

ગિલે મૅચ પછી શું કહ્યું?

ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે મૅચ પછી કહ્યું હતું કે ‘હું વિચારતો હતો કે ક્રિષ્નાને એ અંતિમ બૉલ યોર્કર ફેંકવાનું કહું કે સ્લો બાઉન્સર. મેં ક્રિષ્ના સાથે વાતચીત કરી હતી અમે વિચાર્યું કે પિચ જોતા સ્લો બૉલ ફેકવામાં આવશે તો મિલર ગૂંચવાઈ જશે અને બાઉન્ડરી ફટકારવી મુશ્કેલ બનશે. અમે વિચાર્યું હતું એવું જ થયું અને દિલ્હીને જરૂરી બે રન ન કરવા દીધા. એકંદરે, અમે 210 રન કર્યા હતા એટલે અમે ધાર્યું જ હતું કે દિલ્હીને 211નો લક્ષ્યાંક મેળવવો ભારે પડશે.'

રાહુલના 92 રન પાણીમાં

ગુજરાતને એના ત્રણ બૅટ્સમેન (ગિલ-70, સુંદર-55, બટલર-52)ની હાફ સેન્ચુરી ફળી હતી અને દિલ્હીના કે. એલ. રાહુલ (92 રન, બાવન બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર)નું યોગદાન એળે ગયું હતું. ખૂદ ડેવિડ મિલરે ૨૦ બૉલમાં બનાવેલા 41 રન પણ પાણીમાં ગયા હતા. ગુજરાતના સ્પિનર રાશીદ ખાને ત્રણ તેમ જ ક્રિષ્નાએ બે વિકેટ મેળવી હતી. એક વિકેટ સિરાજને મળી હતી.