Thu Sep 03 2026

Logo

સંજુ સેમસન સતત ત્રણ મેચમાં નિષ્ફળ જવા અંગે કોચ ફ્લેમિંગે આપ્યું મોટું નિવેદન, એડજસ્ટ થવાની પ્રક્રિયામાં છે...

2026-04-06 17:54:56
Author: Mumbai Samachar Team
સંજુ સેમસન સતત ત્રણ મેચમાં નિષ્ફળ જવા અંગે કોચ ફ્લેમિંગે આપ્યું મોટું નિવેદન, એડજસ્ટ થવાની પ્રક્રિયામાં છે...

બેંગલુરુ: ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) 2026માં વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનના અત્યાર સુધીના ખરાબ પ્રદર્શનનો બચાવ કર્યો હતો અને કહ્યું કે વિકેટકીપર-બેટ્સમેન ટીમના વાતાવરણમાં એડજસ્ટ થવાની પ્રક્રિયામાં છે અને રન કરવા અને ટીમની સફળતામાં યોગદાન આપવા માટે ઉત્સુક છે.

રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) સામે સીએસકેનો 43 રનથી પરાજય થયો. આ સતત ત્રીજી મેચ હતી જેમાં સેમસન ફ્લોપ રહ્યો હતો. તેણે અત્યાર સુધીની ત્રણ મેચમાં છ, સાત અને નવ રન કર્યા હતા. 

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ફ્લેમિંગે કહ્યું હતું કે "જ્યારે તમે લાંબા સમયથી ફ્રેન્ચાઇઝી (આ કિસ્સામાં રાજસ્થાન રોયલ્સ) માટે રમી રહ્યા છો ત્યારે નવા ટીમના વાતાવરણમાં એડજસ્ટ થવામાં સમય લાગે છે. ભલે તે થોડો વધુ આરામદાયક અનુભવી રહ્યો હોય, છતાં હજુ પણ તેનામાં એકતાનો ભાવ છે અને તે હજુ પણ ટીમના વાતાવરણને અનુકુળ થઈ રહ્યો છે."

ફ્લેમિંગે કહ્યું હતું કે કેરળનો આ ખેલાડી પોતાની લય હાંસલ કરવા માટે ઉત્સુક છે. "ટીમ (સીએસકે)માં પાંચ કે છ ફેરફારો થયા છે. ટીમના પરસ્પર સંબંધને મજબૂત બનાવવા માટે મેદાનની બહાર હજુ પણ થોડું કામ કરવાનું બાકી છે. પરંતુ તે ટીમમાં ખૂબ સારી રીતે સ્થાયી થઈ ગયો છે. તે સિનિયર ખેલાડીઓ સાથે રન કરવા અને યોગદાન આપવા માટે ઉત્સુક છે. વર્લ્ડ કપમાં તેના પ્રદર્શનથી અમે જોયું કે એકવાર તે આગળ વધી જાય, તો તે અત્યંત ખતરનાક બની શકે છે. તેથી સંજુને પીળી જર્સીમાં તેની સફર ચાલુ રાખવા માટે અમારો સંપૂર્ણ ટેકો મળશે."

ફ્લેમિંગે કહ્યું કે આયુષ મ્હાત્રે જેવા યુવા ખેલાડીઓને સુસંગતતા શોધવામાં મદદ કરવા માટે ધીરજની જરૂર છે. મ્હાત્રેએ પંજાબ કિંગ્સ સામે અડધી સદી ફટકારી હતી, પરંતુ બેંગલુરુ સામે માત્ર એક રન જ કરી શક્યો હતો. 

અમારી ટીમમાં સારું સંતુલન છે. અમારી પાસે પ્રતિભાશાળી ખેલાડીઓ છે અને આપણે સ્વીકારવું પડશે કે ભૂલો થશે. અમારી પાસે માઈક હસીના સ્વરૂપમાં એક મહાન મેન્ટર છે, જે એક ઉત્તમ બેટિંગ કોચ છે અને રમતની સારી સમજ ધરાવે છે.