ગઈ કાલે બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 14મી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામેના રસાકસી ભર્યા મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે 1 રનથી જીત મેળવી, આ સાથે GTએ આ સિઝનમાં જીતનું ખાતું ખોલાવ્યું. મેચમાં જીત તો મળી પણ સ્લો ઓવર રેટ જાળવવા બદલ BCCIએ શુભમન ગિલને દંડ ફટકાર્યો છે અને ઠપકો પણ આપ્યો છે.
અહેવાલ મુજબ કેપ્ટન શુભમન ગિલને ₹12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPLની આ સિઝનમાં ગિલનો આ પહેલો ગુનો છે. IPLની આ જ સિઝનમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર બે વાર આ નિયમ ભંગ કરી ચુક્યો છે. અમ્પાયર સામે નારાજગી દર્શાવવા બદલ અભિષેક શર્માને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે યા યાદીમાં ગીલનું નામ જોડાયું છે.
IPL એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ (DC) સામે રમાયેલી મેચ નંબર 14માં ધીમી ઓવર-રેટ જાળવવા બદલ ગુજરાત ટાઇટન્સ (GT) ના કેપ્ટન શુભમન ગિલને દરમિયાન દંડ ફટકારવામાં આવ્યો છે.”
નિવેદનમાં જણાવવામાં આવ્યું કે " મિનીમમ ઓવર-રેટ ગુનાઓ સાથે સંબંધિત IPLની આચારસંહિતાના કલમ 2.22 હેઠળ, આ સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હોવાથી, ગિલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે."