સોશ્યલ મીડિયા ઉપરાંત અન્ય પ્રસાર-પ્રચાર માધ્યમો મારફત રોકાણ આકર્ષવાના થતા પ્રયાસો સામે સજાગ રહો
જયેશ ચિતલિયા
સોશ્યલ મીડિયા જયારથી સક્રિય થયું છે ત્યારથી સામાજિક જીવન પર તો છવાયું જ છે, પરંતુ આર્થિક-ફાઈનાન્સિયલ જગતમાં પણ સતત છવાઈ રહ્યું છે. આજે આ મંચનો ઉપયોગ ઈન્વેસ્ટમેન્ટના પાઠ સમજાવવા માટે થઈ રહ્યો છે, જેમાં સટ્ટાની વાત પણ આવે, માર્ગદર્શનની વાત પણ આવે. જોકે માર્ગદર્શનના નામે ગેરમાર્ગદર્શન થાય અને તાલીમના નામે આપણા દિમાગને તાળાં મારવાની વાત પણ થાય.
‘આમ કરાય- આમ ન કરાય- આમ કમાશો તો આમ ગુમાવશો...અમારી પાસે શીખો- અમારા કલાસ જોઈન કરો, અમે લાભ કરાવીશું- અમે કમાણી કરાવીશું, વગેરે’ ઓફરો આપી અનેક સાચા-ખોટા લેભાગુઓ દુકાન ખોલી બેસી ગયા છે અને રોજેરોજ સતત માથા પર ભમ્યા કરે છે. વર્તમાન ઈન્ફોર્મેશન-ટેકનોલોજીના યુગમાં એડવર્ટાઈઝમેન્ટ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ, એ આપણા જીવનનો બહુ મોટો ભાગ બની ગયા છે.
પાંચ રૂપિયાથી લઈ પચાસ હજાર કે પાંચ લાખની ચીજ-વસ્તુઓની જાહેરખબર અને માર્કેટિંગ સતત આપણી સમક્ષ થયા કરે છે. આ ખરીદો- પેલું ખરીદો- આ સારું, પેલું બેસ્ટ...આનાથી ફલાણો ઉપાય થાય - પેલાથી ઢિકણો ઉકેલ આવે... આમ દવાથી દારૂ સુધી- બાળકથી વૃદ્ધ સુધી આપણા જીવનના દરેક તબક્કેઆપણી સમક્ષ જાહેર ખબરો અને માર્કેટિંગનો મારો સતત ચાલ્યા કરે છે. હાથમાં રહેલો મોબાઈલ હોય કે રેડિયો-ટીવી હોય, રસ્તામાં ચાલતી ગાડી હોય કે બાજુએ મુકાયેલાં હોર્ડિંગ્સ હોય, રેલ્વેના પ્લેટફોર્મ હોય કે એરપોર્ટની લોન્જ હોય, ભાગ્યે જ કોઈ એવી જગ્યા મળશે, જયાં જાહેરખબર આપણી આંખ સામે ટીકટીક ન કરતી હોય. આ જાહેરખબરો-પ્રચાર એટલી હદ સુધી આકર્ષક અને અસરકારક બનાવાય છે કે ગ્રાહકો તેને અનુસર્યા વિના રહી શકતા નથી.
આપ ફિલ્મ જોવા અવારનવાર થિયેટરમાં જતા હશો, શું આપ ફિલ્મ શરૂ થાય એ પહેલા બતાવાતી જાહેરખબર ધ્યાનથી જુઓ છો? એ જાહેરખબરો હંમેશાં આકર્ષક તો હોય જ છે, પણ તેમાં કરાતી વાતો કે તેમાં અપાતા મેસેજ એથી પણ વધુ આકર્ષક હોય છે. શું આપ એ જાહેરખબર જોઈને તેનું તરત અનુકરણ કરો છો? ધારો કે આપે ઈન્સ્યુરન્સ કે પેન્શન પ્લાનની જાહેરખબર જોઈ તો શું તેનાથી પ્રભાવિત થઈને થોડા દિવસોમાં જ આપ પણ એ જ ઈન્સ્યુરન્સ પૉલિસી કે પેન્શન પ્લાન લઈ લો છો ખરા? તેમાં પણ વળી કેટલીય જાહેરખબરોમાં તો આપણા ફેવરિટ ફિલ્મસ્ટાર, ક્રિકેટ સ્ટાર વગેરે જેવા સેલિબ્રિટી હોય છે, જે જે -તે ઈન્વેસ્ટમેન્ટને એન્ડોર્સ કરતા હોય છે પરિણામે આપણી પોતાની વેલ્થનાં તંદુરસ્ત સ્વાસ્થ્ય સામે આનું આંધળું અનુકરણ મોંઘું પડી શકે છે.
પ્લસ-માઈનસ પોઈન્ટસ સમજવાની જરૂર
આવી જ જાહેરખબરો આપને ટીવી ચેનલ્સ અને હવે તો એ કરતા પણ વધુ સોશ્યલ મીડિયાના વિવિધ મંચ પર પણ જોવા મળતી હોય છે, લોકોને સતત હેમરિંગ કરતી રહે છે.
આ દરેક જાહેરખબર ખોટી જ છે કે છેતરનારી છે એવું કહેવાનો હેતુ નથી, પરંતુ આ જાહેરખબર સાથે દરેક વ્યકિતએ પોતાની જીવનજરૂરિયાત, જીવનનાં લક્ષ્યોને મેચ કરવા જોઈએ. આ જાહેરખબરો માત્ર માર્કેટિંગ કે પ્રમોશન ટેક્નિક છે, જેના દાવા કે ખાતરીઓ ચાલાકીપૂર્વકના હોય છે. આ જાહેરખબરો, પ્રચાર, બ્રાન્ડિંગ, કોમેન્ટરી તમને આકર્ષતી હોય તો પણ તેમાં સીધું રોકાણ કરવા દોડી જવાને બદલે તેને સમજવાની કોશિશ કરવી જોઈએ. તેનો અભ્યાસ કરવો જોઈએ. જે-તે પૉલિસી, પેન્શન કે ઈન્વેસ્ટમેન્ટ પ્લાન કે રોકાણ સાધન-રોકાણ યોજના, સ્ટ્રેટજી, તમારા માટે કે તમારા પરિવાર માટે ખરા અર્થમાં કેટલા ઉપયોગી છે એ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
આ વિષયમાં તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝર સાથે વાતચીત કરી તેના પ્લસ-માઈનસ પોઈન્ટસ સમજવા જોઈએ. પ્લાન કોઈપણ ઈન્વેસ્ટમેન્ટનો હોઈ શકે. લોકોનું ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવા ટીવી, અખબારો, વેબસાઈટ, રેડિયો સહિત અનેકવિધ પ્રસારમાધ્યમોનો ઉપયોગ થતો રહે છે, કારણ કે આ મારફત વ્યાપક (માસ ) વર્ગ સુધી પહોંચી શકાય છે . જોકે આ જાહેરખબરોની સત્યતા કે સાર્થકતા ચકાસવાની કોશિશ કોઈ કરતું નથી કે જો એમ કરીને તેના માઈનસ પોઈન્ટસ જાણી લેવાયા હોય તો કોઈ તેની વાત કરતું નથી, પરંતુ આવા સમજુ માણસો કેટલા? મોટાભાગના લોકો તો આ જાહેરખબરોની જાળમાં આવી જાય છે. માર્કેટિંગ- બ્રાન્ડિંગનું આપણા જીવનમાં ખાસ્સું મહત્ત્વ રહયું છે. આની રચના માટે એટલે જ કંપનીઓના કરોડો રૂપિયાના બજેટ હોય છે કેમ કે એના દ્વાારા જ તેમણે વરસો સુધી કરોડોની કમાણી કરવાની હોય છે. આમાં રોકાણ કરતા પહેલાં તેમાં રહેલા સંભવિત રિસ્ક અને રિટર્નને સમજવા જરૂરી હોય છે. જેની સચ્ચાઈ જાહેરખબરમાં જાહેર થતી નથી.
ઝીણા અક્ષરોમાં કે બોલીમાં ચેતવણી
યાદ રહે, દરેક જાહેરખબર બાદ ઝીણા અક્ષરોમાં કે ધીમા અવાજમાં તેના સંભવિત જોખમ વિશે સૂચના અથવા ચેતવણી કે સ્પષ્ટતા પણ અપાતી હોય છે, જેના પર બહુ ઓછા લોકોનું ધ્યાન જાય છે (તેમનો ઈરાદો પણ એજ હોય છે કે લોકો તેના પર ધ્યાન ન આપે). આને ટેકનિકલ ભાષામાં ડિસ્કલેઈમર પણ કહે છે. આવી રોકાણ યોજના ભલે કેટલી પણ આકર્ષક લાગે કે પછી તેમાં તમારા મિત્ર કે સગાં પણ રોકાણ કરતા હોય તો પણ તમારે એ કરતા પહેલા એ વાસ્તવમાં તમારી માટે કેટલું ઉપયોગી અને સાર્થક છે તે સમજવું આવશ્યક છે.
ફાઈનાન્સિયલ કે ઈન્વેસ્ટમેન્ટ વર્લ્ડમાં દરેક વ્યકિતએ જાહેરખબરથી અંજાઈને નિર્ણય લેવાનું ટાળવું જોઈએ, કારણ કે જાહેરખબર સાથે મોટેભાગે ઊંચા અને ખોટા દાવાઓનું જોખમ, અજ્ઞાનતાનું જોખમ અને ફસાઇ જવાનું જોખમ સંકળાયેલું હોય છે. જાહેરખબર સતત સામે આવ્યા કરે છે ત્યારે આકર્ષણ જમાવે છે, વિચારવા દબાણ લાવે છે, આપણને નિર્ણય લેવા સુધીના માર્ગે લઈ જાય છે. આમ છતાં, આ માર્ગ પર આવ્યા બાદ દિમાગની બત્તી ખોલીને તેનો નિર્ણય લેવો મહત્ત્વનો હોય છે. હા, જે આ પ્રવાહમાં તણાઈ જાય એના ડૂબી જવાની શકયતા ઊંચી રહે છે.