Sun Jul 26 2026

Logo

હરિશંકર પરસાઈની વ્યંગ-મસ્તીઃ ચાર હાસ્ય કથા...

2026-07-22 08:29:37
Author: Sanjay Chhel
Article Image

સંજય છેલ

હૃદય

એક માણસ કહેતો કે એ એનાં બધાં કામ પોતાના હૃદયનો અવાજ સાંભળીને જ કરે છે. તે એક કૉલેજના પ્રિન્સિપાલ હતા. એમણે એક હોશિયાર પ્રોફેસરને નોકરીમાંથી કાઢી મૂકીને એની જગ્યાએ કોઈ અજાણ્યા કારણસર એક અયોગ્ય પ્રોફેસરની નિમણૂક કરી. પ્રિન્સિપાલને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે ‘એમના દિલનો અવાજ કહેતો હતો કે આમ કરવાથી સંસ્થાનું ભલું થશે.’

પછી એમણે એક પટાવાળાનો આખા અઠવાડિયાનો પગાર કાપી લીધો, એક યુવાન છોકરીનાં લગ્ન એક વૃદ્ધ માણસ સાથે કરાવી દીધાં અને કારણ એ જ આપ્યું કે આ એમના હૃદયનો અવાજ હતો. આ જ રીતે ત્યાં હૃદયનો અવાજ સાંભળીને કામ થતા હતા. એમનો મોટો રૂઆબ હતો. કેટલાય માણસો એવા છે, જે  હૃદયના અવાજ મુજબ જ કામ કરે છે.

એક દિવસ એક અકસ્માતમાં એમનું મૃત્યુ થઈ ગયું. જ્યારે લાશનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું ત્યારે ડૉક્ટરોએ જોયું કે એમની છાતીમાં ક્યાંય હૃદય છે જ નહીં. ડૉક્ટરો સામે મોટી સમસ્યા ઊભી થઈ કે આ માણસ હૃદય વગર કેવી રીતે જીવતો રહ્યો!આખા શરીરમાં શોધખોળ કર્યા પછી ઘણી મુશ્કેલીથી એમનું હૃદય પગના તળિયામાં મળી આવ્યું!

દવા

કવિ ‘અનંગ’ એમની અંતિમ ક્ષણોમાં પહોંચી ગયા હતા.
ડૉક્ટરોએ સ્પષ્ટ કહી દીધું હતું કે તે બહુ બહુ તો એકાદ કલાકના મહેમાન છે. અનંગનાં પત્નીએ કહ્યું, ‘ડૉ. એમને કોઈ એવી દવા આપો જેથી તેઓ 5-6 કલાક જીવતા રહી શકે અને સાંજની ટ્રેનમાં આવી રહેલા એમના દીકરાને મળી શકે.’ પણ ડૉક્ટરોએ કહ્યું કે ‘કોઈ પણ દવા એમને એક કલાકથી વધુ જીવતા નહીં રાખી શકે.’

બરાબર એ જ સમયે અનંગજીના એક મિત્ર ત્યાં આવ્યા. મિત્રએ કહ્યું, ‘ડોન્ટ વરી, હું એમને ઘણા કલાકો સુધી જીવતા રાખી શકું એમ છું.’

ડૉક્ટરોએ હસીને કહ્યું, ‘એ અશક્ય છે.’
પેલા મિત્રએ કહ્યું, ‘ભલે, પણ મને એક કોશિશ તો કરવા દો! તમે બધા લોકો મહેરબાની કરીને બહાર જાઓ.’

બધા લોકો રૂમની બહાર ચાલ્યા ગયા. પેલા મિત્ર અનંગજીની પાસે બેઠા ને કહ્યું, ‘અનંગજી, હવે તો તમે હંમેશાં માટે જઈ રહ્યા છો. તમારો આ મધુર અવાજ હવે ક્યાં સાંભળવા મળશે! જતાં-જતાં કોઈક કવિતા સંભળાવતા જાઓ!’

આ સાંભળતાં જ અનંગજી બેઠા થઈ ગયા ને બોલ્યા, ‘ઇચ્છા તો નથી, પણ તમારી આ વિનંતી ટાળી શકાય તેમ નથી. સારું, કબાટમાંથી મારી કવિતાની ડાયરી કાઢીને આપો.’

મિત્રએ ડાયરી હાથમાં આપી અને અનંગજી પોતાની કવિતાઓ એક પછી એક સંભળાવા લાગ્યા. કલાકો વીતી ગયા. સાંજની ટ્રેન આવી ગઈ અને એમનો દીકરો પણ આવી પહોંચ્યો. દીકરાએ રૂમમાં પ્રવેશતાં જ જોયું કે પિતાજી હજી કવિતાઓ વાંચી રહ્યા છે અને એમના મિત્ર (કવિતા સાંભળી સાંભળીને) મૃત હાલતમાં પડેલા હતા!

રોટલી

લોકશાહીના રાજાએ જહાંગીરની જેમ પોતાના મહેલની સામે એક ઘંટ અને સાંકળ લટકાવી રાખી હતી. એમણે એલાન કરાવી દીધું હતું કે ‘જેને પણ ફરિયાદ કરવી હોય, તે સાંકળ ખેંચે... રાજા પોતે ફરિયાદ સાંભળશે.’

એક દિવસ એકદમ દૂબળો, નબળો માણસ લથડિયા ખાતો ખાતો ત્યાં આવ્યો અને એના અશક્ત હાથોથી સાંકળ ખેંચી. લોકશાહીના રાજા તરત જ મહેલની ગૅલેરીમાં આવ્યા અને પૂછ્યું, ‘ફરિયાદી, તું શું ઇચ્છે છે?’

ફરિયાદીએ કહ્યું, ‘રાજા, તારા રાજમાં અમે ભૂખે મરી રહ્યા છીએ. અમને અન્નનો દાણો નથી મળતો.
મને રોટલી જોઈએ છે. મેં કેટલાય દિવસોથી ખાવાનું ખાધું નથી. હું બસ, એક રોટલી માગવા આવ્યો છું.’

રાજાએ ખૂબ સહાનુભૂતિપૂર્વક કહ્યું, ‘ભાઈ, તારા દુ:ખથી મારું હૃદય દ્રવી ઊઠ્યું છે. હું રોટલીની સમસ્યા પર આજે જ એક સ્પેશ્યલ કમિટી બનાવીશ, પણ મારે તને એક વિનંતી કરવી છે કે કમિટીનો રિપોર્ટ આવે એ પહેલાં તું બસ... મરતો નહીં.’

હોનહાર

એક સ્ત્રી એના છોકરાને એક જ્યોતિષી પાસે લઈ ગઈ અને કહ્યું, ‘પંડિતજી, આ છોકરાનું ભવિષ્ય જણાવો. આગળ જતાં આ શું બનશે?’

જ્યોતિષીએ કહ્યું, ‘માતા, તું આનાં કેટલાંક લક્ષણ જણાવ. આનામાં તેં શું ખાસ જોયું?’
સ્ત્રીએ કહ્યું, ‘એ રાત્રે અચાનક બૂમો પાડે છે. જાગો! જાગો! આગળ વધો! આગળ વધો!’

જ્યોતિષીએ પૂછ્યું, ‘સારું, જ્યારે એ આવી બૂમો પાડે છે, ત્યારે પોતે શું કરે છે?’
સ્ત્રી કહ્યું, ‘એ તો ઊંઘતો હોય છે... પાડાની જેમ! ને એ ઊંઘમાં જ આવી બૂમો પાડે છે.’

જ્યોતિષીએ થોડું વિચારીને જવાબ આપ્યો, ‘મા, તારા દીકરાનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે.’
‘એમ પંડિતજી? તો એ મોટો થઈને શું બનશે?’
‘એ કોઈ લોકશાહીના દેશમાં મોટો નેતા બની જશે.’