Wed Aug 19 2026

Logo

મહારાષ્ટ્ર વન વિભાગ અને IRCTC અને વચ્ચે મહત્ત્વના કરારઃ વન્યજીવ પર્યટનને મળશે વેગ

2026-08-02 19:36:45
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વન્યજીવ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આઈઆરસીટીસીના પશ્ચિમ ઝોન અને મહારાષ્ટ્ર વન વિભાગ વચ્ચે ઐતિહાસિક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. દેશમાં આ પ્રકારની પહેલ પ્રથમ વખત થઈ રહી છે. આ ભાગીદારી દ્વારા આઈઆરસીટીસીની પ્રવાસ  ક્ષેત્રની કુશળતા અને ભારતીય રેલવેની વ્યાપક કનેક્ટિવિટીને મહારાષ્ટ્ર વન વિભાગના વન્યજીવ સંરક્ષણ અને વ્યવસ્થાપનના પ્રયાસો સાથે જોડાશે, જેથી રાજ્યમાં સસ્ટેનેબલ અને જવાબદાર વન્યજીવ પર્યટનને પ્રોત્સાહન મળી શકે, એમ આઈઆરસીટીસીના પશ્ચિમ વિભાગના વરિષ્ઠ પ્રવક્તા ડૉ. એ.કે. સિંહે જણાવ્યું હતું.

નાગપુરમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી દરમિયાન આ કરાર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના વનમંત્રી ગણેશ રામચંદ્ર નાઈક, અતિરિક્ત મુખ્ય સચિવ (વન) મિલિંદ મહૈસ્કર અને પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ એમ. શ્રીનિવાસ રાવની હાજરીમાં આ સમજૂતીને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. 

મહારાષ્ટ્ર રાજ્યના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (વન્યજીવ) એમ. શ્રીનિવાસ રેડ્ડી અને આઈઆરસીટીસી પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર ગૌરવ ઝાએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાર્યક્રમમાં આઈઆરસીટીસીના એડિશનલ જનરલ મેનેજર (ટૂરિઝમ) હર્ષવર્ધન સિંહ રાવત, મેનેજર (ટૂરિઝમ) સુભાષ નાયર તેમજ મહારાષ્ટ્ર વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમજૂતી હેઠળ આઈઆરસીટીસી મહારાષ્ટ્ર માટે ખાસ વન્યજીવ પર્યટન પેકેજ શરૂ કરશે. તેમાં કન્ફર્મ ટ્રેન ટિકિટ, રહેવાની વ્યવસ્થા, સ્થાનિક પરિવહન અને ગેરંટીવાળા વાઈલ્ડલાઇફ સફારી પરમિટનો સમાવેશ થશે. જેના મારફતે આઈઆરસીટીસીનો ઉદ્દેશ વન્યજીવ પ્રેમીઓ, ફોટોગ્રાફરો, બર્ડ વોચર્સ, કુદરતપ્રેમીઓ, પરિવાર અને એડવેન્ચર ટૂરિસ્ટોને સરળ અને નિશ્ચિંત પ્રવાસનો અનુભવ કરાવવાનો છે.

આ પહેલ અંતર્ગત પેંચ નેશનલ પાર્ક, તાડોબા-અંધારી ટાઇગર રિઝર્વ, બોર ટાઇગર રિઝર્વ, નવેગાંવ-નાગઝીરા ટાઇગર રિઝર્વ, ઉમરેડ પૌની કરહંડલા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી  અને ટિપેશ્વર વાઇલ્ડલાઇફ સૅન્ક્ચુરી જેવા મહારાષ્ટ્રના અગ્રણી વન્યજીવ સ્થળોને પ્રોત્સાહન આપવામાં આવશે. IRCTC ટૂંક સમયમાં પાંચ વિશેષ વાઇલ્ડલાઇફ પ્રવાસ યોજનાઓ પણ શરૂ કરશે, જેમાં પ્રવાસીઓને  રાજ્યની સમૃદ્ધ જૈવવિવિધતા, વાઘોના રહેઠાણ અને ઇકો-ટૂરિઝમનો અનોખો અનુભવ મળશે. 

આઈઆરસીટીસીના પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર ગૌરવ ઝાએ જણાવ્યું હતું કે આ સમજૂતી મહારાષ્ટ્રમાં સસ્ટેનેબલ વન્યજીવ પર્યટનને નવી દિશા આપશે. આઈઆરસીટીસીની પ્રવાસન કુશળતા અને વન વિભાગના સંરક્ષણ પ્રયાસોના સમન્વયથી પ્રવાસીઓને રાજ્યના શ્રેષ્ઠ વન્યજીવ સ્થળોએ સરળતાથી પહોંચી શકશે, સાથે જ જવાબદાર પર્યટનને પણ વેગ મળશે. 
આ ભાગીદારીથી વન્યજીવ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધશે, સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો મળશે અને મહારાષ્ટ્ર દેશના અગ્રણી વન્યજીવ પર્યટન રાજ્ય તરીકે વધુ મજબૂત ઓળખ ઉભી કરશે.