Mon Sep 07 2026

Logo

ઈન્સ્ટાગ્રામ પર બૅટિંગ ઍપના વિરોધમાં રીલ્સ પોસ્ટ કરનારા યુવકનું અપહરણ

2026-08-03 20:59:22
Author: Yogesh C. Patel
ઈન્સ્ટાગ્રામ પર બૅટિંગ ઍપના વિરોધમાં રીલ્સ પોસ્ટ કરનારા યુવકનું અપહરણ

ચાકુની ધાકે પવઈથી કારમાં અપહરણ કર્યા પછી ફટકારીને નવી મુંબઈમાં છોડ્યો: રીલસ્ટાર સહિત ચારની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ઈન્સ્ટાગ્રામ પર બૅટિંગ ઍપ (ચાઈનીઝ ઍપ)ના વિરોધમાં જનજાગૃતિ માટે કાઉન્ટર રીલ બનાવીને પોસ્ટ કરનારા યુવકનું ચાકુની ધાકે પવઈથી કથિત અપહરણ કરવામાં આવ્યું હતું. કારમાં અપહરણ કરાયેલા યુવકને બામ્બુથી ફટકાર્યા પછી નવી મુંબઈના કળંબોલી ખાતે છોડવામાં આવતાં પોલીસે રીલસ્ટાર સહિત ચારની ધરપકડ કરી હતી.

પવઈ પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ પ્રતીક રામ શિંદે, યશ રણધીર બાબરે, અનિકેત રામ ગોડસે અને સમીર સુનીલ કુચેકર ઉર્ફે એસ. કે. તરીકે થઈ હતી. પોલીસ આરોપીઓના ત્રણ સાથીની શોધ ચલાવી રહી છે. 

પોલીસના જણાવ્યા મુજબ અપહરણની ફરિયાદ વિક્રોલીના સૂર્યાનગરમાં રહેતા ચેતન દેવલકરે (28) નોંધાવી હતી. ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને પોસ્ટ કરનારા ફ્રીલાન્સર દેવલકરે બૅટિંગ ઍપના વિરોધમાં રીલ્સ અને ક્ધટેન્ટ પોસ્ટ કરી હતી, જેને કારણે આરોપી ઉશ્કેરાયા હતા.

ફરિયાદ અનુસાર છેલ્લા આઠેક મહિનાથી ઈન્સ્ટાગ્રામ પરના કેટલાક રીલ ક્રિયેટર બૅટિંગ ઍપ ડાઉનલૉડ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરતા હતા, જે યોગ્ય ન હોવાથી ફરિયાદી કાઉન્ટર રીલ બનાવીને પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કરતો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે આ બૅટિંગ ઍપનું પ્રમોશન આરોપી પ્રતીક શિંદે તેના એકાઉન્ટ પરથી કરતો હતો. તેની પ્રમોશનવાળી રીલ્સ અને સ્ટોરીને ફરિયાદી રોસ્ટ કરતો હતો. પાંચેક મહિના અગાઉ અનિકેતે શિંદેની રીલ્સનો વિરોધ ન કરવા ફરિયાદીને ઈન્સ્ટાગ્રામ કૉલ કરી ધમકી આપી હતી. તેમ છતાં ફરિયાદી આવી ઍપના વિરોધમાં રીલ અને સ્ટોરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો હતો.

ફરિયાદ અનુસાર 26 જુલાઈની સાંજે 7.30 વાગ્યાની આસપાસ પવઈના પંચકુટિર વિસ્તારમાંથી ચાકુની ધાકે ફરિયાદીનું સ્કોર્પિયો કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. કારમાં રીલસ્ટાર પ્રતીક શિંદે અને અનિકેત પણ હતા. મારપીટ પછી ફરિયાદીને બામ્બુથી ફટકારવામાં આવ્યો હતો. આ પીટાઈની આરોપીઓએ રીલ બનાવી હતી. હવે વિરોધમાં રીલ ન બનાવવાની ખાતરી આપ્યા પછી ફરિયાદીને કળંબોલીમાં છોડી આરોપી ફરાર થઈ ગયા હતા.

આ પ્રકરણે દેવલકરે રવિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે યશ બાબરેને વિક્રોલીમાં તેના ઘર નજીકથી તાબામાં લીધો હતો. તેણે આપેલી માહિતી પરથી અન્ય ત્રણ આરોપીને પુણેના ઈંદાપુરથી પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.