Tue Sep 15 2026

Logo

માત્ર વૈભવની જ નહીં, આઇપીએલના ચૅમ્પિયન-કૅપ્ટનનું પણ ભાગ્ય ચમકી રહ્યું છે!

2026-06-04 16:16:08
Author: Ajay Motiwala
માત્ર વૈભવની જ નહીં, આઇપીએલના ચૅમ્પિયન-કૅપ્ટનનું પણ ભાગ્ય ચમકી રહ્યું છે!

BCCI


નવી દિલ્હીઃ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ઇન્ડિયા-એ ટીમમાં સામેલ કર્યા પછી હવે ટીમ ઇન્ડિયામાં પણ સમાવવાની પાક્કી તૈયારી થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે એમાં એક અહેવાલ એવો મળ્યો છે ફૉર્મ ગુમાવી બેઠેલા સૂર્યકુમાર યાદવ પાસેથી ભારતની ટી-20 ટીમના નેતૃત્વની જવાબદારી પાછી લઈ લેવાની તો વિચારણા થઈ જ રહી છે, ખેલાડી તરીકે પણ ટી-20 ટીમમાં તેનું સ્થાન જોખમમાં છે અને તેની જગ્યાએ રજત પાટીદાર (Patidar)ને તક મળી શકે.

પાટીદારના સુકાનમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)એ આઇપીએલના ઉપરાઉપરી બે ટાઇટલ જીત્યા છે અને તે બૅટ્સમૅન તરીકે પણ બહુ સારા ફૉર્મમાં હોવાથી તેને ભારતની ટી-20 ટીમમાં સૂર્યકુમાર (Suryakumar)ના સ્થાને રમવાનો મોકો છે.

ભારતીય ટીમ હાલમાં પરિવર્તનકાળમાંથી પસાર થઈ રહી છે. 2028નો ટી-20 વર્લ્ડ કપ હજી ઘણો દૂર છે, પણ 2026ના ટી-20 વિશ્વ કપના વિજેતા કૅપ્ટન સૂર્યકુમારની નબળી બૅટિંગ જોતાં તેના સ્થાને શ્રેયસ ઐયરને સુકાન સોંપવામાં આવશે એની વાતો તો થઈ જ રહી હતી, હવે પાટીદારનું નામ પણ આગળ આવ્યું છે.

તાજેતરની આઇપીએલમાં સૂર્યકુમારે માત્ર 270 રન બનાવ્યા હતા અને તેની સરખામણીમાં પાટીદારે 501 રન કર્યા હતા. આ બૅટિંગ-ફૉર્મ પણ ભારતીય ટીમ માટેના સિલેક્ટરો ટી-20 ટીમ નક્કી કરતી વખતે જરૂર ધ્યાનમાં લેશે. સૂર્યકુમારનો સ્ટ્રાઇક-રેટ 147.54 હતો, જ્યારે પાટીદારે 192.69ના સ્ટ્રાઇક-રેટથી રન બનાવ્યા હતા.