મુંબઈ: ગઈ કાલે ગુરુવારે તોતિંગ ઘટાડા સાથે બંધ થયા બાદ આજે શુક્રવારે ભારતીય શેર બજારે ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 225 પોઈન્ટ્સના ઘટાડા સાથે 82,272 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 47 પોઈન્ટના ઘટાડા સાથે 25,406 પર ખુલ્યો.
આજે શરૂઆતના કારોબારમાં મુખ્ય આઇટી અને ફાઇનાન્સ શેરોમાં વેચવાલી જોવા મળી. નિફ્ટી પર ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ અને બજાજ ફાઇનાન્સના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો. જ્યારે, કોલ ઇન્ડિયા, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), લાર્સન એન્ડ ટુબ્રો (L&T), આઇશર મોટર્સ અને ભારત ઇલેક્ટ્રોનિક્સના શેરોમાં વધારો નોંધાયો.
સેક્ટર મુજબ શેરો પર નજર કરીએ તો આઇટી ઇન્ડેક્સમાં 1.3% ઘટાડો નોંધાયો, મીડિયા ઇન્ડેક્સમાં 1%નો ઘટાડો નોંધાયો, જ્યારે પીએસયુ બેંક ઇન્ડેક્સમાં 0.5%નો વધારો નોંધાયો.
ગઈ કાલે ગુરુવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો, સેન્સેક્સ 1,236 પોઈન્ટ(1.48ટકા)ના ઘટાડા સાથે 82,498 પર બંધ થયો હતો. નિફ્ટી 365 પોઈન્ટ(1.41 ટકા)ના ઘટાડા સાથે 25,454 પર બંધ થયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારો પર નજર:
શુક્રવારે એશિયન બજારોમાં શરૂઆતના કારોબારમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કી-225માં 1.04 ટકાનો ઘટાડો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં 1.12 ટકાની ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.66 ટકાનો વધારો નોંધાયો, જ્યારે કોસ્ડેકમાં 0.19 ટકાનો ઘટાડો નોંધાયો. લ્યુનાર ન્યુ યરની રજાને કારણે ચીન અને હોંગકોંગના બજારો બંધ રહ્યા.
ગુરુવારે યુએસ શેરબજારો પણ ઘટાડા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.54 ટકાના ઘટાડા સાથે 49,395.16 પર બંધ થયો, જ્યારે S&P 500 0.28 ટકાના ઘટાડા સાથે 6,861.89 પર બંધ થયો. નાસ્ડેક 0.31 ટકાના ઘટાડા સાથે 22,682.73 પર બંધ થયો.