મુંબઈ: ઈરાન અને યુએસ વચ્ચે ફરી તણાવ વધી રહ્યો છે, રોકાણકારો ફરી ચિંતામાં છે, એવામાં આજે સોમવારે ભારતીય શેરબજારે વધારા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 139 પોઈન્ટના વધારા સાથે 78,632 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ (NSE)નો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 37.95 પોઈન્ટના વધારા સાથે 24,391 પર ખુલ્યો.
શુક્રવારે ભારતીય શેરબજારો મજબૂત વધારા સાથે બંધ થયું હતો. સેન્સેક્સ 504 પોઈન્ટ(0.65%)વધીને 78,493 પર બંધ થયો, અને નિફ્ટી 156 પોઈન્ટ (0.65%) વધીને 24,353 પર બંધ થયો.
એશિયન બજાર સતર્ક:
એશિયન બજારોમાં શરૂઆતના કારોબારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જાપાનનાં ઇન્ડેક્સ નિક્કી-225માં 0.62%નો વધારો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં 0.68%નો વધારો નોંધાયો. દક્ષિણ કોરિયાના ઇન્ડેક્સ કોસ્પીમાં 0.27% નો વધારો નોંધાયો, જ્યારે કોસ્ડેકમાં 0.52%નો ઘટાડો નોંધાયો.
યુએસ સ્ટોક ફ્યુચર્સ દબાણ હેઠળ:
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે ચાલી રહેલી મડાગાંઠને કારણે સોમવારે યુએસ સ્ટોક ફ્યુચર્સમાં ઘટાડો નોંધાયો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ફ્યુચર્સમાં 452 પોઈન્ટ(0.9%)નો ઘટાડો નોંધાયો, જ્યારે S&P 500 ફ્યુચર્સમાં 0.8% અને Nasdaq-100 ફ્યુચર્સમાં 0.6%નો ઘટાડો નોંધાયો.
ક્રુડના ભાવ ફરી વધ્યા:
ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી બંધ કરી દીધી છે, જેને કારને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 5.47% વધીને $95.32 પ્રતિ બેરલ પર પહોંચ્યા, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ફ્યુચર્સ 6.17% વધીને $89.08 પ્રતિ બેરલ પર પહોંચ્યા.