ઓમાન: મિડલ ઈસ્ટમાં હજુ પણ તણાવ યથાવત છે. આ દરમિયાન ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક જહાજ પર થયેલા ટોર્પિડો હુમલામાં ભારતીય નાવિક સૂરજ યાદવનું મૃત્યુ થયું છે.આ જહાજમાં કુલ 20 ભારતીયો સહિત કુલ 28 ક્રૂ મેમ્બર્સ સવાર હતા.આ હુમલામાં જહાજનો એક ભાગ અને એન્જિન રૂમને ભારે નુકસાન પહોંચ્યું છે.
માલવાહક જહાજ 'એમવી કેપ ડાઓ' પર હુમલો
આ અંગે મળતી મુજબ, હોર્મુઝથી ભારત જઈ રહેલા એન્ટિગુઆ અને બાર્બુડાનો ધ્વજ ધરાવતા માલવાહક જહાજ 'એમવી કેપ ડાઓ' પર બુધવારે ઓમાન નજીક હુમલો થયો હતો. આ હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયાના રહેવાસી અને જહાજ પર 'વાઈપર' તરીકે ફરજ બજાવતા ભારતીય નાવિક સૂરજ યાદવના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.
ઓમાનના કોસ્ટ ગાર્ડે જહાજના ક્રૂ સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા
અહેવાલો અનુસાર, જહાજ પર બે ટોર્પિડો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એક ટોર્પિડો જહાજની ડાબી બાજુ વાગ્યો હતો.જ્યારે બીજો એન્જિન રૂમની નજીક ડાબી બાજુએ અથડાયો હતો. આ હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી અને તેની વીજળી પુરવઠા તથા સ્ટીયરિંગની ક્ષમતાઓ ખોરવાઈ ગઈ હતી. ઓમાનના કોસ્ટ ગાર્ડે જહાજના ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
ઓમાનમાં ભારતીય દૂતાવાસે માહિતી શેર કરી
ઓમાનમાં ભારતીય દૂતાવાસે એક્સ પર માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત તરફ જઈ રહેલા 'MV Cape Dao' જહાજ પર થયેલા હુમલા પર અમે નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે જહાજ પર સવાર 19 ભારતીયો સહિત તમામ ક્રૂ સભ્યોની સુરક્ષા અંગે ઓમાનના સત્તાવાળાઓના સંપર્કમાં પણ છીએ.
શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરી
આ હુમલામાં એક ભારતીય નાવિકના મૃત્યુથી અમને ઊંડું દુઃખ થયું છે અને અમે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. દૂતાવાસ RPSL સાથે મળીને કામ કરી રહ્યું છે અને મૃતકના પરિવારના સંપર્કમાં છે.