(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા, પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂરાજકીય તણાવ અને ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાના નિર્દેશો, માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનાં દબાણને કારણે સ્થાનિક ફોરેક્સ મર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન પાંચ પૈસા મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે સાધારણે એક પૈસાના સુધારા સાથે 94.15ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાથી અમુક અંશે રૂપિયાને ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 94.15ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 94.25ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.28 અને ઉપરમાં 94.11 સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે સાધારણ એક પૈસો વધીને 94.15ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે સંભવિતપણે રિઝર્વ બૅન્કના હસ્તક્ષેપ સાથે ડૉલર સામે રૂપિયામાં પાંચ સત્રની મંદીને બે્રક લાગી હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતાનુસાર આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં 93.80ની સપાટી મહત્ત્વની ટેકાની અને 94.40ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા જણાય છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.21 ટકા ઘટીને 98.32 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 2.36 ટકાની તેજી સાથે બેરલદીઠ 107.82 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 8827.87 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જોકે, આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 639.42 પૉઈન્ટનો અને 194.75 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાને થોડાઘણાં અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.