Sun Aug 23 2026

Logo

ક્રૂડતેલના ઊંચા ભાવઃ ડૉલર સામે રૂપિયો 23 પૈસા તૂટીને નવાં તળિયે

2026-03-24 19:41:20
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયાની કટોકટીને પગલે ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સતત દબાણ હેઠળ આવી રહ્યો છે. આજે પણ સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયો એક તબક્કે 37 પૈસા ગબડી ગયા બાદ અંતે ગઈકાલના બંધ સામે વધુ 23 પૈસાના ઘટાડા સાથે 93.76ના નવાં તળિયે બંધ રહ્યો હતો. 

સ્થાનિક બજારમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના 93.53ના બંધ સામે 13 પૈસાના ઘટાડા સાથે 93.66ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ભારે ચંચળતા રહેતાં નીચામાં 93.90 અને ઉપરમાં 93.66ની રેન્જમાં અથડાઈને અંતે 23 પૈસાના ઘટાડા સાથે 93.76ના મથાળે બંધ રહ્યો હતો. 

એકંદરે ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી અને ઊભરતી બજારો સામે ડૉલરમાં મજબૂત વલણ રહેવાને કારણે આ મહિનામાં અત્યાર સુધીમાં રૂપિયામાં 4.50 ટકાનું ધોવાણ થઈ ગયું હોવાનું ફિનરેક્સ ટ્રેઝરીના ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાળીએ જણાવતાં ઉમેર્યું હતું કે આવતીકાલે ડૉલર સામે રૂપિયો 93.65થી 94.25 આસપાસની રેન્જમાં રહે તેમ જણાય છે. 

નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ઈરાનના અગ્રણી નેતા સાથે વાટાઘાટો કરી રહ્યું છે અને તેઓ યુદ્ધનો અંત આણવા ઉત્સુક છે. તેમ જ તેમણે પાંચ દિવસ સુધી ઈરાનના પાવર એકમો પર હુમલા કરવામાં નહીં આવે એવું જણાવીને ઈરાનને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખોલવા જણાવ્યું હતું. જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાઓને નકારી કાઢતાં ક્રૂડતેલના ભાવમાં પુનઃ ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. 

દરમિયાન આજે વિશ્વ બજારમા ડૉલર ઈન્ડેક્સ 0.23 ટકા વધીને 99.18 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.45 ટકા ઘટીને બેરલદીઠ 101.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 1372.06 પૉઈન્ટનો અને 209.65 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 10,414.23 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.