Wed Aug 19 2026

Logo

ડૉલર સામે રૂપિયો વધુ 20 પૈસા પટકાયો

2026-03-25 19:48:05
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલો ભૂરાજકીય તણાવ હળવો થવાના આશાવાદ વચ્ચે આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં અને બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં નરમાઈનું વલણ રહેવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ સુધારો આગળ ધપ્યો હોવા છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગઈકાલે ઈક્વિટીમાં રૂ. 8009.56 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે વધુ 50 પૈસા પટકાઈને ઐતિહાસિક 93.96ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 93.76ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 93.94ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.13 અને ઉપરમાં 93.86ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 20 પૈસાના ઘટાડા સાથે 93.96ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે પણ રૂપિયામાં 23 પૈસાનું ધોવાણ થયું હતું. 

એકંદરે આજે વિશ્વ બજારમાં અમેરિકા-ઈઝરાયલના ઈરાન સાથે શાંતિ કરાર થવાના આશાવાદ વચ્ચે ડૉલર તથા ક્રૂડતેલના ભાવમાં નરમાઈનું વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો હોવા છતાં માસાન્તના સમયગાળાને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડવાઈઝર્સનાં ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાળીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે 94ની સપાટી આસપાસ રિઝર્વ બૅન્કને ટેકો મળતાં આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો 93.25થી 94.25 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.17 ટકા ઘટીને 99.26 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 4.33 ટકા ઘટીને બેરલદીઠ 99.97 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 1205 પૉઈન્ટનો અને 394.05 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો.