(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગઈકાલે અમેરિકા અને ઈરાનના અધિકારીઓની ઈસ્લામાબાદ ખાતે યોજાયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ જવાથી પશ્ચિમ એશિયાની કટોકટી ફરી સપાટી પર આવવાની સાથે હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલવા અંગે અનિશ્ચિતતા અને અમેરિકાએ ઈરાનના બ્લોક કરવામાં આવશે, એવી જાહેરાત કરતાં દરિયાઈ પરિવહન ખોરવાઈ જવાની ભીતિ સપાટી પર આવતા આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજીનું વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી અને બજારમાં નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બાવન પૈસા પટકાઈને 93.35ના મથાળે બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 92.83ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 93.30ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 93.40 અને ઉપરમાં 93.25ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે બાવન પૈસાના કડાકા સાથે 93.35ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયો 32 પૈસા નબળો પડ્યો હતો. તેમ જ આવતીકાલે (મંગળવારે) બજાર બાબા સાહેબ આંબેડકર જયંતી નિમિત્તે બંધ રહેનાર છે. ગઈકાલે અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં વૈશ્વિક સ્તરે જોખમી પરિબળો સપાટી પર આવતાં ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં ડૉલર તથા ક્રૂડતેલમાં મજબૂત વલણ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી રૂપિયાને વધુ દબાણ હેઠળ રાખતા ડૉલર સામે રૂપિયામાં 93થી 93.80 સુધીની રેન્જ જોવા મળી શકે છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.32 ટકા વધીને 98.75 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 7.69 ટકાના ઉછાળા સાથે બેરલદીઠ 102.52 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 702.68 પૉઈન્ટનો અને 207.95 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. જોકે, ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 672.09 કરોડની છૂટીછવાઈ લેવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.