Sat Mar 14 2026

Logo

ક્રૂડતેલની તેજી સાથે ડૉલર સામે રૂપિયો 26 પૈસા ગબડ્યો

3 weeks ago
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવને ધ્યાનમાં લેતા વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં વધુ અડધા ટકાનો ઉછાળો આવ્યો હોવાના અહેવાલ અને ડૉલર ઈન્ડેક્સમાં પણ સુધારાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક તબક્કે 91ની સપાટી કુદાવી ગયા બાદ ગત બુધવારના બંધ સામે 26 પૈસા ગબડીને 90.94ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત બુધવારના 90.68ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 90.94ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 91.04 અને ઉપરમાં 90.92ની રેન્જમાં રહ્યા બાદ અંતે 26 પૈસા ગબડીને 90.94ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે બજાર છત્રપતિ શિવાજી મહારાજ જયંતી નિમિત્તે બંધ રહી હતી તે પૂર્વે બુધવારે ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો જોવા મળ્યો હતો. 

વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 71 ડૉલરની સપાટી પાર કરી ગયા હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો, પરંતુ અમુક અંશે ઈક્વિટી માર્કેટના સુધારાએ ટેકો આપ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 90.70થી 91.30 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે. 

આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.01 ટકા વધીને 97.86 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.5 ટકા વધીને બેરલદીઠ 71.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક સ્તરે આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 316.57 પૉઈન્ટ અને 116.90 પૉઈન્ટ વધીને બંધ રહ્યાના અહેવાલ હતા.