Wed Aug 19 2026

Logo

ભારતીય રેલવેએ ₹ 1.93 લાખ કરોડનું દેવું ચૂકવ્યું: શું હવે ટ્રેન ટિકિટના ભાડાં સસ્તા થશે?

2026-08-09 21:47:38
Author: Mumbai Samachar Team
Article Image

માર્કેટ બોરોઇંગ ઘટાડીને સર્વિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર સરકાર મૂકશે ભાર

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ છેલ્લા પાંચ વર્ષમાં માર્કેટ બોરોઇંગ અને લોનની ચૂકવણી પેટે આશરે ₹ 1.93 લાખ કરોડ રકમ પરત કરી છે. રેલવે પ્રધાને અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં આ અંગે મહત્ત્વની જાણકારી શૅર કરી હતી. રેલવે પ્રધાને વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે, રેલવેએ આ રકમ લોન દેનારા વિભાગને પરત કરી દીધી છે. અન્ય રકમ નાણા મંત્રાલયને પેમેન્ટ તરીકે ચૂક્તે કરી દીધી છે. 
છેલ્લા કેટલાક વર્ષોથી રેલવે માર્કેટમાંથી લીધેલી લોનથી એક અંતર બનાવીને રાખતા આની એક અસર જોવામળી રહી છે. કોરોના બાદ એક મોટા સ્કેલ પર કામ કરવાનું અને મોટા પ્રોજેક્ટ થકી પ્રગતિ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ માટે સરકાર રેલવેની સર્વિસ અને જરૂરી અન્ય વસ્તુઓ પર વધારે પૈસા ખર્ચ કરી રહી છે. 

ખાસ મુદ્દા પર ધ્યાન આપતા લોન ચૂક્તે
રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની લોન ચૂક્તે કરવા કેટલાક મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપ્યું છે. આ સાથે સર્વિસ ઉપર પણ ફોક્સ કરવા પ્રાથમિકતા આપી છે. કેન્દ્ર સરકારે રેલવે બજેટ માટે મોટી રકમ ફાળવી છે. આ પૈસાનો ઉપયોગ રેલવેની પાયાની સુવિધાને સુધારવા માટે થઈ રહ્યો છે. ખાસ કરીને ટ્રેન સાથે જરૂરી સામાનને હેરફેર માટે જે રીસોર્સ જોઈએ એના પર કામ થયું છે. અગાઉ આ પ્રકારના કામ માટે રેલવેને પૈસાની જરૂરિયાત વધારે હતી અને લોન પર આધાર રાખવો પડતો હતો. 

કોરોના વખતે 79,000 કરોડની લોનની જરુરિયાત ઊભી થઈ
હવે સરકારે બજેટમાં વધારો કરતા એ બજેટની રકમનો ઉપયોગ અહીં થઈ રહ્યો છે. આનાથી રેલવેને માર્કેટમાંથી લોન લેવાની ખાસ કોઈ જરૂરિયાત ઊભી થઈ નથી અને જે જરૂરિયાત ઊભી થઈ છે એ ખૂબ ઓછી થઈ રહી છે. રેલવે વિભાગે વર્ષ 2021-22માં અત્યાર સુધીમાં 93 હજાર કરોડ રૂપિયા માત્ર વ્યાજ પેટે ચૂક્તે કર્યા છે. આશરે 1 લાખ કરોડ લોન ચૂકવવામાં ગયા છે. આ સિવાય કોરોના જેવી મહામારીમાં રેલવે મંત્રાલયમાંથી 79 હજાર કરોડ વધારાની લોન લેવાની જરૂર પડી હતી. કોરોના જેવી મહામારીમાં આર્થિક મુશ્કેલીઓ પડી હતી તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેએ લોન ચૂક્તે કરવા પાછળ મોટી રકમ ખર્ચી છે. 

સર્વિસમાં સુધારો કરવામાં મળી સફળતા પણ
રેલવેએ લોન ચૂક્તે કરી દીધી છે એનાથી લાંબા અંતરની ટ્રેનના ભાડામાં ઘટાડો થશે એવું સરકારે સ્પષ્ટ કહ્યું નથી. હાલમાં જે કરોડો રૂપિયાનું દેવું ચૂક્તે કર્યું એનો અર્થ ટ્રેનના ભાડમાં વધારો ઘટાડો કરવાનો કે અન્ય રીતે વસૂલ કરવાનો હેતું સરકારનો બિલકુલ નથી, જોકે છેલ્લા ચારેક વર્ષથી બજેટમાં વિશેષ ફાળવણીને કારણે રેલવેની કેટલીક સર્વિસને સારી રીતે રન કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. 

અપગ્રેડેશનથી ટિકિટ બુકિંગની સુવિધાને મળ્યો વેગ
ખાસ કરીને નાના રેલવે સ્ટેશન પરથી ઑપરેશન અને મોનિટરિંગ કરવું શક્ય બની રહ્યું છે. તો બીજી તરફ દેશના નાના પણ મહત્ત્વના રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. મહાનગરમાં નાના સ્ટેશનના અપગ્રેડેશનથી ટિકિટ બુકિંગની સુવિધાને વેગ મળ્યો છે અને એમાં નોંધાપાત્ર સુધારો થયો છે. ખાસ કરીને લાંબા અંતરની ટ્રેન માટે બુકિંગને લઈને પ્રવાસીઓને મોટી સરળતા મળી રહી છે.