Mon Jul 27 2026

Logo

હેં, ભારતના આ એક વ્યક્તિ પાસે હતું પોતાનું પર્સનલ રેલવે સ્ટેશન, ઘરના દરવાજા સુધી આવતી હતી ટ્રેન...

2026-05-24 11:24:00
Author: Darshana Visaria
Article Image

ભારતમાં શાહી ઠાઠ-માઠ અને રાજા-મહારાજાઓના જાણવાલાયક કિસ્સાઓનો કોઈ અંત નથી. આજે ભલે દેશમાં રેલવે સેવાઓ સંપૂર્ણપણે સરકારના હસ્તક હોય, પરંતુ ભારતના ઇતિહાસમાં એક એવો પણ દોર હતો જ્યારે દેશના એક ધનાઢ્ય વ્યક્તિ પાસે પોતાનું પર્સનલ રેલવે સ્ટેશન હતું! એટલું જ નહીં, ટ્રેન સીધી તેમના આલીશાન મહેલના દરવાજા સુધી આવીને ઊભી રહેતી હતી.

અહીંયા જે રેલવે સ્ટેશનની વાત થઈ રહી છે એ આશરે 113 કરોડ રૂપિયાની કિંમતનું આ ખાનગી રેલવે સ્ટેશન ભારતના અન્ય કોઈ રાજાનું નહીં, પરંતુ બિહારના દરભંગાના મહારાજાનું હતું. ઇતિહાસના પાનાઓમાં દટાયેલા આ અવિશ્વસનીય અને જાજરમાન કિસ્સા વિશે જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે... 

બિહારના ઇતિહાસમાં 'દરભંગા મહારાજ' (Darbhanga Maharaj) નો દબદબો એટલો ભયાનક હતો કે બ્રિટિશ શાસન દરમિયાન પણ ગોરા સાહેબો તેમની સામે માથું નમાવતા હતા. દરભંગા રાજવી પરિવારના મહારાજા લક્ષ્મેશ્વર સિંહ (Maharaja Lakshmeshwar Singh) નો એવો વૈભવ હતો જેની આજે કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

મહારાજા લક્ષ્મેશ્વર સિંહને મુસાફરી કરવા માટે સામાન્ય લોકોની જેમ રેલવે સ્ટેશન સુધી ન જવું પડે, તે માટે તેમણે પોતાના આલીશાન મહેલ 'આનંદ બાગ પેલેસ'ના કમ્પાઉન્ડની અંદર જ રેલવે લાઇન નંખાવી દીધી હતી. આ ટ્રેક સીધો મહારાજાના મહેલના મુખ્ય પ્રવેશદ્વાર (દરવાજા) સુધી જતો હતો. જ્યારે પણ મહારાજાને ક્યાંય બહાર જવું હોય અથવા વિદેશી મહેમાનો આવવાના હોય, ત્યારે આખી રેલવે ટ્રેન સીધી મહેલના આંગણે આવીને બ્રેક મારતી હતી. આજના સમયમાં આ આખી પ્રાઇવેટ રેલવે પ્રોપર્ટી અને સ્ટેશનની કિંમત અંદાજે 113 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવે છે.

આ પર્સનલ રેલવે પાછળ માત્ર રાજાનો શોખ જ નહોતો, પરંતુ પ્રજા પ્રત્યેનો પ્રેમ પણ છુપાયેલો હતો. વર્ષ 1874માં જ્યારે ઉત્તર બિહારમાં ભયાનક દુકાળ પડ્યો, ત્યારે લોકો સુધી અનાજ અને રાહત સામગ્રી ઝડપથી પહોંચાડી શકાય તે માટે મહારાજાએ બ્રિટિશ ઈન્ડિયા ગવર્નમેન્ટ સાથે મળીને દરભંગાથી બાજીતપુર વચ્ચે રેલવે લાઇન શરૂ કરાવી હતી. આ ટ્રેન દોડાવવા માટેનો મોટો આર્થિક ખર્ચ મહારાજાએ પોતે ભોગવ્યો હતો.

દરભંગાના મહારાજા પાસે પોતાની અંગત ટ્રેન અને શાહી સલૂન પણ હતું, જેમાં સોના-ચાંદીની નકશીકામ વાળી લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ હતી. મહારાજા રામનાથ સિંહના સમયમાં પણ આ વૈભવ જળવાઈ રહ્યો હતો. બ્રિટિશ શાસકો પણ સ્વીકારતા હતા કે દરભંગા મહારાજની વાર્ષિક આવક તે સમયે યુરોપના કેટલાક નાના દેશોના કુલ બજેટ કરતાં પણ વધારે હતી.

આજે ભલે આ શાહી ટ્રેનો અને સ્ટેશન ઇતિહાસ બની ચૂક્યા છે, પરંતુ બિહારના આ રેલવે કનેક્શનની ક્રેઝી સ્ટોરી આજે પણ સોશિયલ મીડિયા પર લોકોને આશ્ચર્યચકિત કરી દે છે...