ગુવાહાટી: ભારતીય વાયુસેનાની આંતરિક સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દેશની રક્ષા માટે રાત-દિવસ તૈનાત રહેતી એરફોર્સની ગુપ્ત વિગતો સરહદ પાર દુશ્મન દેશ સુધી પહોંચાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. રાજસ્થાન ઇન્ટેલિજન્સ અને વાયુસેનાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાન માટે જાસૂસી કરનારા ગઠિયાને ઝડપી લેવામાં આવ્યો છે. આ ધરપકડ બાદ સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે અને જાસૂસીના ઊંડા મૂળિયાં તપાસી રહી છે.
કોણ છે આ જાસૂસ અને ક્યાંથી થઈ ધરપકડ?
પકડાયેલા આરોપીની ઓળખ સુમિત કુમાર (36) તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી છે. સુમિત આસામના છબુઆ એરફોર્સ સ્ટેશન પર મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ (MTS) તરીકે ફરજ બજાવતો હતો. રાજસ્થાનના જેસલમેરથી અગાઉ પકડાયેલા ઝબરામ નામના શખની પૂછપરછમાં સુમિતનું નામ ખૂલ્યું હતું. ત્યાર બાદ દિલ્હી વાયુસેનાના ગુપ્તચર વિભાગ અને રાજસ્થાન પોલીસની ટીમે આસામ જઈને તેને દબોચી લીધો હતો.
ADG (ઇન્ટેલિજન્સ) પ્રફુલ્લ કુમારના જણાવ્યા અનુસાર, આરોપી સુમિત કુમાર વર્ષ 2023થી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સીધા સંપર્કમાં હતો. તે છેલ્લા ત્રણ વર્ષથી વાયુસેનાની અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતી સરહદ પાર મોકલી રહ્યો હતો. આ કામકાજના બદલામાં તેને મોટી રકમની લાલચ આપવામાં આવી હતી. જાસૂસીના કામકાજ માટે તે સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાની હેન્ડલર્સ સાથે વાતચીત કરતો હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે સુમિતે માત્ર આસામના જ નહીં, પરંતુ બિકાનેરના નાલ એરફોર્સ સ્ટેશનની વિગતો પણ પાકિસ્તાનને આપી હતી. તેણે ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સની મૂવમેન્ટ, મિસાઈલ સિસ્ટમનું લોકેશન અને ઉચ્ચ અધિકારીઓની અંગત વિગતો શેર કરી હતી. એટલું જ નહીં, તે પાકિસ્તાની જાસૂસોને ભારતીય નંબર પર સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ સેટ કરી આપવામાં પણ મદદ કરતો હતો, જેનો ઉપયોગ પાકિસ્તાની એજન્સી અન્ય લોકોને ફસાવવા માટે કરતી હતી.
આ ગંભીર ગુના બદલ સુરક્ષા એજન્સીએ સુમિત કુમાર વિરુદ્ધ સત્તાવાર ગુપ્ત અધિનિયમ (Official Secrets Act), 1923 અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં તપાસ એજન્સીએ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સુમિત સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે અને તેણે હજુ સુધી કેટલી અને કયા પ્રકારની ચોક્કસ માહિતી દુશ્મન દેશને સોંપી છે.