એકસ્ટ્રા અફેરઃભરત ભારદ્વાજ
ભારતે બે વર્ષથી પણ ઓછા સમયગાળામાં બીજો ટી-20 વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચી દીધો. સૂર્યકુમાર યાદવની ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી 20 વર્લ્ડકપની ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડને રીતસર કચડી જ નાંખ્યું. ન્યૂ ઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલાં બેટિગ આપેલી પણ અભિષેક શર્મા, સંજુ સેમસને શરૂઆતની ઓવરોમાં તોફાની બેટિગ કરીને ન્યૂ ઝીલેન્ડને અહેસાસ કરાવી દીધેલો કે, તમે ટીમ ઈન્ડિયાના યંગસ્ટર્સને આંકવામાં થાપ ખાઈ લીધી છે.
પાછળથી ઈશાન કિશને અને છેલ્લે શિવમ દુબેએ તડાફડી કરીને 255 રનનો સ્કોર ખડક્યો પછી બોલરોએ મોરચો સંભાળી લીધો. ન્યૂ ઝીલેન્ડનો કિલ્લો ધરાશાયી કરવાની શરૂઆત અક્ષર પટેલે કરી ને પછી જસપ્રિત બૂમરાહ ચડી બેઠો તેમાં ન્યૂ ઝીલેન્ડ પૂરી 20 ઓવર પણ ના રમી શક્યું ને 159 રનમાં તો ધરાશાયી થઈ ગયું. ભારતે ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં સૌથી મોટા 96 રનના માર્જિનથી ચેમ્પિયન બનીને રેકોર્ડ્સની વણઝાર કરી નાંખી.
ભારત સારું રમ્યું તેથી ચેમ્પિયન બન્યું એ દેખીતું છે પણ વાસ્તવમાં ટીમ ઈન્ડિયા ફાઈનલના પહેલા બોલથી જ ચેમ્પિયનની જેમ રમ્યું. ભારતે 15 ઓવરમાં તો 200 રનનો સ્કોર પાર કરી દીધો હતો. તેના પરથી જ ભારતના શરૂઆતના બેટ્સમેન કેવા પ્રભુત્વ સાથે રમ્યા એ સ્પષ્ટ છે. આઈપીએલમાં પણ આવી બેટિગ નથી જોવા મળતી.
ન્યૂ ઝીલેન્ડના નિશામે મેચની 16મી ઓવરમાં માત્ર 1 રન આપીને ભારતના ત્રણ બેટ્સમેનને આઉટ કર્યા પછી ભારત થોડુંક દબાણમાં આવેલું તેથી સાવચેતીપૂર્વક રમ્યું. આ કારણે 16મીથી 19મી ઓવર સુધીમાં ચાર ઓવરમાં ભારતે 28 રન જ કર્યા. આ 4 ઓવરમાં ભારતે કુલ 4 વિકેટ પણ ગુમાવી. આખી ફાઈનલમાં આ ચાર ઓવર દરમિયાન ન્યૂ ઝીલેન્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમતી ટીમ હોય એવું લાગેલું, બાકી ભારતે ન્યૂ ઝીલેન્ડને સાવ વામણી ટીમ સાબિત કરતી રમત બતાવી.
શિવમ દુબેએ છેલ્લી ઓવરમાં 24 રન ઝૂડીને આ ચાર ઓવરની કસર તો પૂરી કરી જ પણ ભારતને પરેશાન કરી ગયેલા નિશામને પણ ટીમ ઈન્ડિયાની તાકાતનો પરચો આપી દીધો. બેટિગમાં પણ ન્યુઝેન્ડની એ જ હાલત થઈ. ઓપનર વિકેટકીપર ટીમ સેઈફર્ટે સંજુ સેમસન, અભિષેક અને ઈશાનની યાદ અપાવતી તોફાની બેટિગ કરી પણ અક્ષર પટેલ અને જસપ્રિત બૂમરાહે બીજો છેડો ખાલી કરવા માંડ્યો તેમાં રન રેટનું દબાણ વધતાં સેઈફર્ટ પણ ઘાંઘો થયો ને વિકેટ ખોઈ દીધી.
ઈશાન કિશને સેઈફર્ટનો બાઉન્ડ્રી પર જોરદાર કેચ પકડ્યો એ સાથે જ મેચ પતી ગયેલી. છેલ્લે છેલ્લે કેપ્ટન મિશેલ સેન્ટનરે મરણિયા બનીને મથામણ કરી પણ મેળ ના પડ્યો. ન્યૂ ઝીલેન્ડમાંથી ખાલી ત્રણ બેટ્સમેન બે આંકડે પહોંચી શક્યા તેના પરથી જ ભારતીય બોલરોના પ્રભુત્વનો અંદાજ આવી જાય. બૂમરાહ માત્ર 15 રનમાં ચાર વિકેટ ઝડપીને કાળ સાબિત થયો તો અક્ષરે 27 રનમાં મહત્વની ત્રણ વિકેટો લીધી.
ભારતે 2024માં ટી-20 વર્લ્ડ કપ જીત્યો પછી રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ટી 20માંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. એ વખતે ત્રણ ધુરંધરોની ગેરહાજરીમાં ભારતીય ટીમનું હવે શું થશે એવી ચિંતાઓ કરાતી હતી. ભારતને હવે નવી ચેમ્પિયન ટીમઊભી કરતાં બીજાં ચાર-પાંચ વર્ષ લાગી જશે એવી વાતો પણ થતી હતી પણ સૂર્યકુમારની ટીમે બે વર્ષથી ઓછા સમયમાં ફરી વર્લ્ડ કપ જીતીને સાબિત કર્યું છે કે, ભારતમાં ટેલેન્ટની જરાય કમી નથી અને કોઈના વિના કશું અટકી જતું નથી.
જસપ્રિત બૂમરાહ, અક્ષર પટેલ, સંજુ સેમસન કે હાર્દિક પંડ્યા જેવા ગણ્યાગાંઠ્યા અનુભવીઓ સિવાયના બાકીના તદ્દન નવા અને છેલ્લાં બે વર્ષમાં જ ચમકેલા ક્રિકેટરોના જોરે ભારત ફરી ચેમ્પિયન બની ગયું છે. ઈશાન કિશન, અર્શદીપસિંહ કે મોહમ્મદ સિરાજ જેવા ક્રિકેટરો છેલ્લાં ચાર-છ વર્ષથી ટીમમાં આવનજાવન કર્યા કરે છે પણ અભિષેક શર્મા, તિલક વર્મા, રિન્કુ સિંહ વગેરે તદ્દન નવા ખેલાડીઓ છે.
સંજુ સેમસન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ બંને ત્રીસી વટાવી ચૂક્યા છે પણ ટીમમાં તેમનું સ્થાન પાકું તો છેલ્લાં પાંચેક વર્ષમાં જ થયું છે. સંજુએ તો છેક 2015માં પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી પણ જૂના ખેલાડી ખસતા જ નહોતા તેથી તક જ નહોતી મળતી. સંજુ મૂળ વિકેટકીપર છે પણ મહેન્દ્રસિંહ ધોની જામી ગયેલો તેથી સંજુનો નંબર નહોતો લાગતો.
એવું જ સૂર્યકુમારનું હતું. સૂર્યકુમાર તો 35 વર્ષનો છે ને આઈપીએલમાં જોરદાર રમતો હતો, રણજી ટ્રોફી સહિતની સ્થાનિક ટૂર્નામેન્ટ્સમાં પણ સારું રમતો પણ કહેવાતા ધુરંધરો ખસતા નહોતા તેના કારણે તક નહોતી મળતી. તક મળતાં જ સૂર્યકુમારે પોતાની બેટિગનો પાવર પણ સૌને બતાવી દીધો ને નેતૃત્વની ક્ષમતા પણ સાબિત કરી દીધી.
આ જીત સાથે ભારતીય ક્રિકેટ એક નવા યુગમાં પ્રવેશ્યું છે કેમ કે ભારતે છેલ્લી ત્રણ આઈસીસી ટૂર્નામેન્ટ્સ જીતી છે. 2024માં ટી-20 વર્લ્ડ કપ, 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી અને હવે 2026માં ફરી ટી 20 વર્લ્ડ કપ જીતીને ભારતીય ટીમે જીતની હેટ-ટ્રિક કરી છે. ભારત માટે અસલી પડકાર આ વર્ચસ્વ જાળવી રાખવાનો છે. ભૂતકાળમાં 1980ના દાયકામાં વેસ્ટ ઈન્ડિઝ અને પછી 2000ના દાયકામાં ઓસ્ટે્રલિયાનો વિશ્વ ક્રિકેટમાં સંપૂર્ણ દબદબો હતો. ભારતે જીતની હેટ-ટ્રિક પછી આ દબદબો કઈ રીતે ઊભો થાય એ વિશે વિચારવું જોઈએ.
ભારતે પોતાનું પ્રભુત્વ ઊભું કરવા માટે બોલિંગના વિકલ્પો વિશે વધારે ધ્યાન આપવું જોઈએ. ભારત પાસે સ્ફોટક બેટ્સમેનની કમી નથી પણ બોલિંગમાં ભારતના વિકલ્પો હજુય મર્યાદિત છે. તેમાં પણ પેસ બોલિંગમાં તો ભારત હજુય જસપ્રિત બૂમરાહના મેજિક પર જ નિર્ભર છે. ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલની જીતમાં બૂમરાહના મેજિક સ્પેલનો ફાળો બહુ મોટો હતો. બૂમરાહ અત્યારે 32 વર્ષનો છે એ જોતાં આવતા વરસે વન ડે ઈન્ટરનેશનલના વર્લ્ડ કપમાં રમશે ને હવે પછીના ટી-20 વર્લ્ડ કપમાં પણ કદાચ રમી નાંખે પણ તેનાથી વધારે ખેચે એવી શક્યતા નથી.
મોહમ્મદ સિરાજ સારો બોલર છે, પણ સિરાજ પણ 31 વર્ષનો છે તેથી એ પણ બે-ચાર વર્ષમાં નિવૃત્ત થશે એ જોતાં અર્શદીપસિંહ સિવાય ભારત પાસે બીજો કોઈ સારો પેસર જ નથી. ક્રિકેટમાં સૌને હીરો બેટ્સમેન લાગે છે કેમ કે બેટ્સમેન ચોગ્ગા-છગ્ગા ફટકારીને સૌનું મનોરંજન કરે છે પણ મેચ તો બોલરો જ જીતાડે છે ને તેમાં સૌથી મહત્વનો રોલ પેસરનો હોય છે કેમ કે બોલિંગ ની શરૂઆત કરનાર બેટ્સમેનને હાવી ના થવા દે તો વિરોધી ટીમ દબાણમાં આવી જતી હોય છે.બૂમરાહ, સિરાજ ને અર્શદીપે છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં આ કામગીરી અસરકારક રીતે નિભાવી છે પણ હવે તેમનાથી આગળ વિચારવાનો સમય આવી ગયો છે.