Fri Jun 19 2026

Logo

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત વન-સાઇડેડ મુકાબલામાં પરાજિત...

2026-02-22 23:06:18
Author: Ajay Motiwala
Article Image

ICC


સાઉથ આફ્રિકાએ 2024ની વર્લ્ડ કપ ફાઇનલનું સાટું વાળ્યું

અમદાવાદઃ સાઉથ આફ્રિકાએ અહીં ભારત (India)ને ગઈ કાલે વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડની મૅચમાં 76 રનથી હરાવીને ગ્રૂપ-1માં બે પૉઇન્ટ સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું. એઇડન માર્કરમની ટીમે આ મૅચને વન-સાઇડેડ બનાવી નાખી હતી અને ભારતને 188 રનના પડકારરૂપ લક્ષ્યાંક સામે 18.5 ઓવરમાં માત્ર 111 રનના સ્કોરમાં ઑલઆઉટ કરી દીધું હતું. એ સાથે, સાઉથ આફ્રિકા (South Africa)એ 2024ના વર્લ્ડ કપની ફાઇનલની હારનો બદલો આ વર્લ્ડ કપમાં સારી રીતે લઈ લીધો છે.

ભારત અને સાઉથ આફ્રિકા 2024 પછી હવે 2026ના આ વર્લ્ડ કપની ફાઇનલમાં પણ સામસામે આવશે એવું શરૂઆતથી જ કહેવાઈ રહ્યું છે એટલે રવિવારની અમદાવાદની મૅચ `ફાઇનલ પહેલાંની ફાઇનલ' કહેવાતી હતી જેમાં સાઉથ આફ્રિકા મેદાન મારી ગયું. ડેવિડ મિલર (35 બૉલમાં 63 રન)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

રૅન્કિંગના વર્લ્ડ નંબર-વન ભારતની ટીમમાં અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તી જેવા વર્લ્ડ નંબર-વન ખેલાડીઓ હોવા છતાં યજમાન ટીમે પાંચમા ક્રમના સાઉથ આફ્રિકા સામે ઘૂંટણિયા ટેકવવા પડ્યા. ભારતના 111 રનમાં શિવમ દુબે (42 રન, 37 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)નું યોગદાન સૌથી વધુ હતું. એ સિવાય બીજો કોઈ બૅટ્સમૅન 20 રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. અમદાવાદની કાળી માટીવાળી પિચ કે જેના પર પેસ બોલરને વધુ મદદ મળવાની હતી એના પર બૉલ નીચા અને ધીમા રહી જતા હતા અને એમાં વિકેટ બચાવવી ભારતીય બૅટ્સમેનો માટે ખૂબ અઘરું કામ હતું. માર્કો યેનસેને માત્ર બાવીસ રનમાં ચાર, સ્પિનર કેશવ મહારાજે 24 રનમાં ત્રણ અને કૉર્બિન બૉશ્ચે 12 રનમાં બે તથા કૅપ્ટન માર્કરમે પાંચ રનમાં એક વિકેટ લીધી હતી.

દાવની શરૂઆતમાં પાછલી ત્રણ મૅચમાં ઝીરો પર આઉટ થનાર અભિષેક શર્મા (15 રન, 12 બૉલ, એક સિક્સર, બે ફોર) સામા છેડે ઊભા રહીને બન્ને સાથી (ઇશાન, તિલક)ને આઉટ થતા જોયા ત્યાર પછી સૂર્યકુમાર સાથેની ભાગીદારી શરૂ થયા પછી રબાડાની ઓવરમાં એક સિક્સર અને એક ફોર સાથે અલગ મિજાજ બતાવવાની શરૂઆત કરી દીધી હતી. જોકે માત્ર 15 રનના પોતાના સ્કોર પર અભિષેકે વિદાય લીધી હતી. એટલું સારું થયું કે તે સતત ચોથી વાર શૂન્યમાં આઉટ નહોતો થયો. તેની પહેલાં ઇશાન ઝીરોમાં અને તિલક એક રનમાં વિકેટ ગુમાવી બેઠો હતો. અભિષેક પછી 43 રનના કુલ સ્કોર પર વૉશિંગ્ટન સુંદરે (11 રન, 11 બૉલ, એક સિક્સર) પણ ચાલતી પકડી હતી. થોડી વારમાં (51 રનના સ્કોર પર) કૅપ્ટન સૂર્યકુમાર (18 રન, બાવીસ બૉલ, બે ફોર) પણ પૅવિલિયનમાં પાછો આવી ગયો હતો. ઇશાન-તિલકના શરૂઆતના આંચકા બાદ 27 રનમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને પછી જીતવાનું અશક્ય થઈ ગયું હતું.

PTI

એ પહેલાં, સાઉથ આફ્રિકાએ બૅટિંગ લીધા બાદ સાત વિકેટે 187 રન કરીને ભારતને 188 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. ખાસ તો ભારતીય ટીમને ડેવિડ મિલર (63 રન, 35 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) અને ડેવાલ્ડ બે્રવિસ (45 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) વચ્ચેની ચોથી વિકેટ માટેની 97 રનની ભાગીદારી નડી હતી. તેમણે ટીમનો સ્કોર 3/20 હતો એ 51 બૉલમાં 117 રન સુધી પહોંચાડી દીધો હતો. છેક 13મી અને 16મી ઓવરમાં અનુક્રમે શિવમ દુબે અને વરુણ ચક્રવર્તીએ બે્રવિસ અને મિલરની વિકેટ લીધી હતી. ટ્રિસ્ટેન સ્ટબ્સ (44 અણનમ, 24 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ની ઇનિંગ્સ પણ સાઉથ આફ્રિકન ટીમ માટે મહત્ત્વપૂર્ણ બની હતી. એકંદરે, 2024ની રનર-અપ ટીમે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની બોલિંગનો હિંમતથી સામનો કરીને પ્રેક્ષકોને ચોગ્ગા-છગ્ગા સહિતની દમદાર ઇનિંગ્સ બતાવી હતી.

બુમરાહે ત્રણ, અર્શદીપે બે તેમ જ વરુણ-શિવમે એક-એક વિકેટ લીધી હતી. હાર્દિકને 45 રનમાં અને વૉશિંગ્ટનને 17 રનમાં વિકેટ નહોતી મળી. ભારતીય ટીમમાં કુલદીપ યાદવની જગ્યાએ અર્શદીપ સિંહને રમાડવામાં આવ્યો હતો. ઓપનર અભિષેકને વધુ એક મોકો અપાયો હતો.

PTI