Tue Oct 06 2026

Logo

અમદાવાદની કાળી માટીએ આજે ટીમ ઇન્ડિયાની મૂંઝવણ વધારી દીધી!

2026-02-22 12:19:00
Author: Ajay Motiwala
અમદાવાદની કાળી માટીએ આજે ટીમ ઇન્ડિયાની મૂંઝવણ વધારી દીધી!

સાંજે 7.00 વાગ્યે શરૂ થશે ભારત અને સાઉથ આફ્રિકાનો બ્લૉકબસ્ટર જંગ


અમદાવાદ: ટી-20 વર્લ્ડ કપમાં ગયા રવિવારે કોલંબોમાં ભારતે પાકિસ્તાનને શર્મનાક પરાજયનો કરન્ટ આપ્યો ત્યાર બાદ હવે આજે (સાંજે 7.00 વાગ્યાથી લાઈવ) અહીં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાન પર સાઉથ આફ્રિકાની ટીમ ભારતીય ખેલાડીઓના હાથે જોરદાર પછડાટ ખાવા આવી ગઈ છે, પરંતુ આ સુખદ સ્થિતિમાં પણ જીત માટે ફેવરિટ ટીમ ઇન્ડિયા  એક મોટી મૂંઝવણમાં છે.

 

સીમ બોલરને વધુ ફાયદો

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને વર્લ્ડ કપ-2024ના રનર-અપ સાઉથ આફ્રિકા વચ્ચેની આજની સુપર-એઇટ મૅચ કાળી માટીવાળી સપાટ પિચ પર રમાવાની છે. આ પ્રકારની પિચ પર સ્પિનરને ઓછી મદદ મળતી હોય છે અને સીમ બોલરને વધુ ફાયદો થતો હોય છે એટલે કુલદીપ યાદવ જેવા વિકેટ-ટેકિંગ સ્પિનરને પ્લેઈંગ-ઇલેવનની બહાર રાખીને અર્શદીપ સિંહને એમાં સમાવવાનો નિર્ણય ટીમ મૅનેજમેન્ટે નાછૂટકે લેવો પડે એમ છે.

હાઈ-સ્કોરિંગ મુકાબલામાં રનની વર્ષા

એક વાત નક્કી છે કે કાળી માટીની પિચ પર સામાન્ય રીતે મૅચ હાઈ-સ્કોરિંગ થઈ જતી હોય છે એટલે આજે અમદાવાદીઓને બૅટ્સમેનોના ચોગ્ગા-છગ્ગાની મોજ માણવા મળશે એ તો નક્કી જ છે. ગઈ કાલે કોલંબોમાં પાકિસ્તાન અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની મૅચમાં મેઘરાજાએ એકધારી મહેર કરી અને મૅચ રદ થતાં બંને ટીમે એક-એક પોઇન્ટથી સંતોષ માની લેવો પડ્યો, પણ આજે અમદાવાદમાં અંદાજે 36 ડિગ્રી તાપમાન અને ભેજની સંભાવના વચ્ચે ભારત-સાઉથ આફ્રિકાની મૅચમાં રનનો વરસાદ જરૂર થશે.

વરુણનો આફ્રિકનોને ડર 

આજની આ મહત્વની મૅચમાં વધુ એક સ્પિનરને રમાડીને વર્લ્ડ નંબર-ફાઈવ એઈડન માર્કરમની ટીમ પર આક્રમણ કરવાની વર્લ્ડ નંબર-વન ટીમ ઈન્ડિયાની યોજના હતી, પરંતુ બ્લૅક સૉઈલ ટ્રેક પર મુકાબલો થવાનો હોવાથી યોજના થોડી બદલાઈ ગઈ છે. વર્લ્ડ નંબર વન સ્પિનર વરુણ ચક્રવર્તી ટીમમાં બરાબર જામી ગયો છે. દરેક ટીમને વરુણનો સૌથી વધુ ડર રહેતો હોય છે. વૉશિંગ્ટન સુંદરના સ્થાને વાઇસ કેપ્ટન અને ઑલરાઉન્ડર અક્ષર પટેલ રમશે એવી પાક્કી સંભાવના હોવાથી ત્રીજા સ્પિનર કુલદીપને રમાડવાને બદલે ડેથ ઓવરમાં ખૂબ કામ લાગતા અર્શદીપ સિંહને લેવા પર ટીમ મેનેજમેન્ટ ખાસ વિચારશે. અભિષેક શર્મા આજે ટીમમાં હશે તો સ્પિનર તરીકે તે પણ કામ લાગશે.

પ્રથમ બૅટિંગ કરશે એ ટીમના 200-પ્લસ રન પાક્કા?

મોટેરા ગ્રાઉન્ડ પર સામાન્ય રીતે લાલ માટી, કાળી માટી અથવા લાલ તથા કાળી માટીના મિશ્રણવાળી પિચ પર મૅચો રમાતી હોય છે. આજની મૅચ કાળી માટીથી બનેલી પેસ-ફ્રેન્ડલી પિચ પર રમાવાની છે જેના પર પ્રથમ બૅટિંગ કરનારી ટીમ 200-પ્લસ રન કરશે તો નવાઈ નહીં લાગે. રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે ‘બંને ટીમ પાસે લાઈનબંધ બૅટ્સમેનો છે એટલે આજનો મુકાબલો સુપર ડુપર બની રહેશે.'

બન્ને દેશની સંભવિત ઇલેવનઃ

ભારતઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિન્કુ સિંહ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.

સાઉથ આફ્રિકાઃ એઇડન માર્કરમ (કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), રાયન રિકલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ટ્રિસ્ટેન સ્ટબ્સ, ડેવિડ મિલર, માર્કો યેનસેન, કૉર્બિન બૉશ્ચ, કેશવ મહારાજ, કૅગિસો રબાડા/ઍન્રિક નોર્કિયા અને લુન્ગી ઍન્ગિડી.