Sun Sep 06 2026

Logo

રવિવારે અમદાવાદમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ મળીને રચશે નવો ઇતિહાસ...

2026-03-06 21:28:00
Author: Ajay Motiwala
રવિવારે અમદાવાદમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ મળીને રચશે નવો ઇતિહાસ...

AI Generated Images


અમદાવાદઃ રવિવાર, આઠમી માર્ચે છે તો મહિલા દિન, પણ એ દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુરુષોની બે ટીમ નવો ઇતિહાસ રચશે, એ ઐતિહાસિક મૅચ ભારત તથા ન્યૂ ઝીલૅન્ડના નામે લખાશે અને વિશ્વવિક્રમ એ બનવાનો છે કે કોઈ બે દેશની ક્રિકેટ ટીમ ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)ની આઇસીસી ઇવેન્ટની ફાઇનલમાં સામસામે આવી હોય એવું પહેલી જ વખત બનશે.

ભારત અને ન્યૂ ઝીલૅન્ડની ટીમ પહેલી જ વખત ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સામસામે આવી છે. રવિવારે સાંજે 6.30 વાગ્યે 1,00,000-પ્લસ પ્રેક્ષકોની હાજરીમાં ટૉસ થશે અને 7.00 વાગ્યે પહેલો બૉલ ફેંકાશે. એ સાથે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં નવું પ્રકરણ શરૂ થશે.

ભારત ટી-20 વર્લ્ડ કપનું સતત બીજું ટાઇટલ જીતવા માગે છે, જ્યારે ન્યૂ ઝીલૅન્ડ આ ટ્રોફી પહેલી વખત જીતવાનું સપનું હવે પૂરું કરવા પ્રતિબદ્ધ છે. નવાઈ એ વાતની છે કે આ જ બન્ને દેશ અગાઉ ટેસ્ટના વર્લ્ડ કપમાં અને વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં સામસામે આવી ચૂક્યા છે અને હવે રવિવારે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભેગા થયા છે.

ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે આ સિલસિલો 2021ની સાલમાં શરૂ થયો હતો. ત્યારે સૌપ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ્સ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે આઠ વિકેટે પરાજય થયો હતો. બ્લૅકકૅપ્સ તરીકે ઓળખાતી કિવીઓની ટીમે ત્યારે ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો હતો. ત્યાર પછી 2025ની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે ન્યૂ ઝીલૅન્ડને ફાઇનલમાં ચાર વિકેટે હરાવીને ત્રીજી વખત એ ટ્રોફી જીતી લીધી હતી. હવે બન્ને દેશ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં રમવાના છે.