Tue Jun 30 2026

Logo

આયરલૅન્ડમાં અપમાનિત, હવે ઇંગ્લૅન્ડમાં ઇજ્જત ન જાય એની કાળજી રાખજો

Chester-le-Street   2026-06-30 20:23:05
Author: Ajay Motiwala
Article Image

BCCI


બુધવારે રાત્રે 10.00 વાગ્યાથી ટી-20 સિરીઝની પ્રથમ મૅચઃ હવે વૈભવને રમાડાશે કે નહીં?

ચેસ્ટર-લી-સ્ટ્રીટ (ઇંગ્લૅન્ડ): ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે અહીં બુધવારે (રાત્રે 10.00 વાગ્યે) ઝરમર વરસાદની સંભાવના સાથે પાંચ મૅચની ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે જે જીતીને શ્રેયસ ઐયર અને તેના ખેલાડીઓ આયરલૅન્ડમાં રવિવારે થયેલી શર્મનાક શ્રેણી-હારને થોડી ભુલાવવા જરૂર પ્રયાસ કરશે. જોકે સૌથી મોટો મુદ્દો 15 વર્ષના બૅટિંગ-સ્ટાર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi)નો છે, કારણકે આયરલૅન્ડ સામેની બન્ને ટી-20માં તેને ન રમાડવાની ટીમ ઇન્ડિયાના મૅનેજમેન્ટે જે મોટી ભૂલ કરી એ પછી હવે તેને બ્રિટિશરો સામેના પ્રથમ મુકાબલામાં રમાડવામાં આવશે કે પછી તેનું ડેબ્યૂ ફરી વિલંબમાં મુકાશે એ લાખ રૂપિયાનો સવાલ છે. જોકે ઇંગ્લૅન્ડ (England) હજી સોમવારે ન્યૂ ઝીલૅન્ડ સામેના ટેસ્ટ સિરીઝ-પરાજયના આઘાતમાંથી બહાર નથી આવ્યું. જોકે હૅરી બ્રૂકની ટી-20 ટીમ દેશને એ આંચકામાંથી બહાર લાવવા જરૂર પૂરતો પ્રયત્ન કરશે.

ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યકુમાર યાદવને ટીમમાંથી કાઢી નાખીને શ્રેયસને સુકાન સોંપાયું છે. જોકે તાજેતરની આઇપીએલમાં હાઇએસ્ટ 776 રન બનાવનાર વૈભવને એકેય મૅચમાં રમવાની તક નહોતી અપાઈ. સૂર્યાંશ શેડગે જેવા અજાણ્યા અને ઓછા સફળ ઑલરાઉન્ડરને ડેબ્યૂનો મોકો અપાયો, પણ વૈભવને અવગણવામાં આવ્યો હતો. જોકે બેલફાસ્ટમાં પેસ બોલર્સને વધુ ફાયદો કરાવતી પિચને અને પરિસ્થિતિને કોઈ પણ ભારતીય બૅટ્સમૅન અનુકૂળ નહોતો થઈ શક્યો એટલે વૈભવે પણ કદાચ સંઘર્ષ કરવો પડ્યો હોત.

ઓપનર અને વિકેટકીપર સંજુ સૅમસન આયરલૅન્ડ સામેની બન્ને મૅચમાં ફ્લૉપ ગયો હોવાથી હવે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ મૅચમાં તેને પડતો મૂકીને તેના સ્થાને (પ્રથમ મૅચમાં 20 બૉલમાં 49 રન બનાવનાર અભિષેક શર્મા સાથે) વૈભવને રમવાનો મોકો મળશે તો નવાઈ નહીં. આ સંજોગોમાં વિકેટકીપિંગની જવાબદારી ઇશાન કિશનને સોંપાશે. જોકે ખુદ કિશન (1 અને 12 રન) પણ આયરલૅન્ડમાં નિષ્ફળ ગયો હતો.

એ જોતાં, ટીમ મૅનેજમેન્ટ સૅમસન અથવા કિશન, બેમાંથી કોઈ એકને બેન્ચ પર બેસવાનું કહીને વૈભવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરવાનો મોકો આપી શકે.

બન્ને દેશની સંભવિત ટીમઃ

ભારતઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), સંજુ સૅમસન/વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યાંશ શેડગે, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવ/વરુણ ચક્રવર્તી.

ઇંગ્લૅન્ડઃ હૅરી બ્રૂક (કૅપ્ટન), જૉસ બટલર (વિકેટકીપર), ફિલ સૉલ્ટ, જેકબ બેથેલ, ટૉમ બૅન્ટન, વિલ જૅક્સ, સૅમ કરૅન, લિઆમ ડૉસન, સૉની બેકર/લ્યૂક વૂડ, સાકિબ મહમૂદ અને આદિલ રાશીદ.