નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતમાં ઘરેલુ LPG સિલિન્ડરનો પુરવઠો સામાન્ય છે. આ અંગે પેટ્રોલિયમ મંત્રાલયે રવિવારે સ્પષ્ટતા કરી હતી કે શનિવારે દેશના 55 લાખથી વધુ LPG સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પાંચ કિલોગ્રામના ફ્રી ટ્રેડ 64,000 LPG સિલિન્ડર પણ વેચાયા હતા. તેમજ દેશમાં કોઈપણ LPG વિતરકનો સ્ટોક ખતમ થઈ ગયો હોવાના કોઈ અહેવાલ નથી.
ઉદ્યોગ સ્તરે LPG સિલિન્ડરોનું ઓનલાઈન બુકિંગ 94 ટકા સુધી
પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સ્તરે, LPG સિલિન્ડરોનું ઓનલાઈન બુકિંગ 94 ટકા સુધી વધી ગયું છે. વિતરક સ્તરે ગડબડી રોકવા માટે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) પર આધારિત ડિલિવરીની ટકાવારી ફેબ્રુઆરીમાં 53 ટકાથી વધીને 84 ટકા થઈ ગઈ છે. આ ઉપરાંત
સરકારે જણાવ્યું છે કે બધી રિફાઇનરીઓ મહત્તમ કાર્યક્ષમતા પર કાર્યરત છે અને ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક પણ જાળવવામાં આવી રહ્યો છે. ઘરેલુ વપરાશને ટેકો આપવા માટે રિફાઇનરીઓમાં ઘરેલુ LPG ઉત્પાદન વધારવામાં આવ્યું છે. દેશભરના તમામ પેટ્રોલ પંપ સામાન્ય રીતે કાર્યરત છે.
વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવા પણ વિનંતી કરવામાં આવી
સરકારે ગ્રાહકોને તેમના LPG ઓનલાઈન બુક કરવા અને LPG વિતરકોની રૂબરૂ મુલાકાત લેવાનું ટાળવા વિનંતી કરી છે. નાગરિકોને PNG અને ઇન્ડક્શન અથવા ઇલેક્ટ્રિક કુકટોપ જેવા વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવા પણ વિનંતી કરવામાં આવી છે. સરકારે જણાવ્યું છે કે બધા નાગરિકોને તેમના રોજિંદા ઉપયોગમાં ઊર્જા બચાવવા માટે જરૂરી પ્રયાસો કરવા વિનંતી કરવામાં આવે છે.