Wed Aug 19 2026

Logo

ભારતનો માસ્ટરસ્ટ્રોક: મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ડોલરને બદલે રૂપિયામાં તેલની ખરીદી કરનારો બન્યો વિશ્વનો પ્રથમ દેશ

2026-03-26 13:46:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલે મળીને કરેલા હુમલાને ત્રણ સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે. હોર્મુઝની ખાડીમાં ઈરાનના દબદબાથી અનેક દેશોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. હરાને હજુ સુધી ઈઝરાયલ અને અમેરિકાના સહયોગી દેશોના એક પણ જહાજને પસાર થવા દીધા નથી. જ્યારે ભારત, પાકિસ્તાન, ચીન અને રશિયાને મિત્ર ગણાવીને તેમના જહાજોને પસાર થવાની મંજૂરી આપી છે. આ દરમિયાન ભારતે એક મોટું પગલું ભરીને ડોલરનું તેલ કાઢતું પગલું ભર્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, મિડલ ઈસ્ટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે ડોલરના બદલે રૂપિયામાં ખરીદી શરૂ કરી છે. જેનાથી સમગ્ર વિશ્વ દંગ રહી ગયું છે. 

મિડલ ઈસ્ટના યુદ્ધમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા વિવિધ દેશો મથામણ કરી રહ્યા છે અને આ માટે ડોલર કે યુઆનમાં ખરીદી કરવા મજબૂર છે. ભારતની ઓઈલ રિફાઈનરીઓ હવે રૂપિયામાં ચૂકવણી કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી રહી છે. રિપોર્ટમાં ભારતીય રિફાઈનરીઓ હવે રશિયન ઓયલની ખરીદીની ચૂકવણી અમેરિકન ડોલરના બદલે ભારતીય રૂપિયામાં કરી રહી હોવાનું જણાવાયું છે. જે મુજબ ભારતીય રૂપિયા વિદેશી ખાતામાં જમા કરાવવામાં આવે છે અને બાદમાં યુએઈના દિરહામ કે ચીનના યુઆનમાં કન્વર્ટ કરવામાં આવતા હોવાનું જણાવાયું છે. આ બદલાવ જિયોપોલિટિકલ તણાવ અને અમેરિકન નીતિઓમાં બદલાવ વચ્ચે આવ્યો છે. 

ભારત દ્વારા રૂપિયામાં ઓયલની ખરીદી શરૂ કરવામાં આવતાં ડોલરની દાદાગીરી દાવ પર લાગી છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં રૂપિયાને મજબૂતી મળશે. છેલ્લા થોડા મહિનાથી રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે. પરંતુ ભારતે આ મોટું પગલું ભર્યું છે. મિડલ ઈસ્ટ યુદ્ધ દરમિયાન પોતાના ચલણમાં ખરીદી કરનારો ભારત પ્રથમ દેશ બન્યો છે. 

રશિયન કંપનીઓ હવે લાંબા ગાળાના એવા આયોજન ઈચ્છે છે, જેથી અમેરિકી પ્રતિબંધો અથવા નીતિગત ફેરફારોથી બચી શકાય. આવી સ્થિતિમાં, ભારતે પોતાના ચલણને મજબૂત કરવા માટે રૂપિયામાં ખરીદી શરૂ કરી છે. આ માટે ભારતની એવી બેંકો કે જેમની વિદેશી (ઓફશોર) હાજરી મર્યાદિત છે, તેઓ આ ટ્રેડ્સમાં સુવિધા પૂરી પાડી રહી છે. આ પ્રક્રિયામાં ભારતીય રૂપિયાને ખાસ ઓવરસીઝ એકાઉન્ટ્સમાં જમા કરવામાં આવે છે, જેને બાદમાં દિરહામ અથવા યુઆનમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. આનાથી ડોલર આધારિત સિસ્ટમથી બચી શકાય છે અને ટ્રાન્ઝેક્શન સરળ બને છે. કેટલાક કિસ્સાઓમાં સિંગાપોર ડોલર અથવા હોંગકોંગ ડોલર પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે, જોકે તે બેંકની સુવિધા પર આધાર રાખે છે.

અમેરિકાના તમામ દાવાઓ છતાં ભારત સતત રશિયન ઓયલ ખરીદી રહ્યું છે, જે તેની સ્વતંત્ર અને કોઈના દબાણમાં ન આવવાની કૂટનીતિનું જીવંત ઉદાહરણ છે. ભારતે એપ્રિલ 2026 માટે રશિયા પાસેથી આશરે 6 કરોડ બેરલ તેલ ખરીદ્યું છે, જે મધ્ય પૂર્વના યુદ્ધને કારણે સપ્લાયમાં આવેલી અછતને પૂરી કરવામાં મદદ કરી રહ્યું છે. અગાઉ રશિયાથી તેલની આયાતમાં ભાવ વધારાને કારણે થોડો ઘટાડો થયો હતો, પરંતુ હવે ફરી વધારો થઈ રહ્યો છે. આ પગલું ભારતની ઊર્જા સુરક્ષા અને ડી-ડોલરાઈઝેશનની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ માનવામાં આવે છે.