Fri Sep 04 2026

Logo

પાકિસ્તાનના દુષ્પ્રચાર પર વિદેશ મંત્રાલય સખ્ત, કહ્યું આ દેશનો આંતરિક મામલો

2026-08-05 19:59:50
Author: Chandrakant Kanoja
પાકિસ્તાનના દુષ્પ્રચાર પર વિદેશ મંત્રાલય સખ્ત, કહ્યું આ દેશનો આંતરિક મામલો

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ  કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબૂદ કરવામાં આવી હતી. જેના વિરોધમાં પાકિસ્તાન દ્વારા આ દિવસે શોષણ દિવસ(યુમ-એ-ઇસ્તેહસલ) મનાવવામાં આવે છે. ત્યારે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ પગલાંને નકારી કાઢ્યું છે. તેમજ કહ્યું છે કે આ ભારતનો આંતરિક મામલો છે તેમાં કોઇની દખલગીરી સહન કરવામાં નહિ આવે. 

ગેરકાયદે કબજાવાળા વિસ્તારને ખાલી કરવા ચેતવણી

આ ઉપરાંત વિદેશ મંત્રાલયે પીઓજેકેમાં હિંસા બંધ કરવા, આંતકી માળખાને નાબૂદ કરવા અને ગેરકાયદે કબજાવાળા વિસ્તારને ખાલી કરવા પણ ચેતવણી આપી છે. 

પાકિસ્તાનના જુઠ્ઠાણાનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારપૂર્વક  જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા 5  ઓગસ્ટ, 2019 ના રોજ લેવામાં આવેલા બંધારણીય નિર્ણયો સંપૂર્ણપણે દેશનો આંતરિક મામલો છે. આ ઐતિહાસિક નિર્ણયોને પગલે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં અભૂતપૂર્વ સામાજિક-આર્થિક વિકાસ થયો છે. આ પ્રદેશમાં સુશાસન સ્થાપિત થયું છે. તેમજ સ્થાનિક લોકોને લોકશાહી રીતે સશક્ત બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણાનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.

નાગરિક અધિકારોને દબાવવામાં આવી રહ્યા છે

આ ઉપરાંત ભારતે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનનું બેવડું વલણ જોવા મળી રહ્યું છે. જેમાં પીઓજેકેમાં મૂળભૂત અધિકારોનું દમન થઇ રહ્યું છે. હાલમાં જ પાકિસ્તાની સુરક્ષા દળોએ  નાગરિકો પર અધિકારો માટે અવાજ ઉઠાવવા ઘાતક બળનો ઉપયોગ કર્યો છે. તેમજ ટાર્ગેટ કિલિંગ અને પ્રતિબંધ લાદીને નાગરિક અધિકારોને દબાવવામાં આવી રહ્યા છે.