ન્યૂ ઝીલેન્ડ આજે ઇંગ્લેન્ડ સામે જીતશે તો પાકિસ્તાન આઉટ
ચેન્નઈ: ભારતે ગુરુવારે અહીં વર્લ્ડ કપના સુપર એઇટ રાઉન્ડના ગ્રૂપ-1માં ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવીને ટૂર્નામેન્ટની બહાર કરી દીધું હતું અને એ સાથે સાઉથ આફ્રિકા આપોઆપ સેમિ ફાઇનલમાં પહોંચી ગયું હતું એટલે હવે રવિવારે ભારત (India) અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મૅચ કવોર્ટર ફાઈનલ જેવી ગણાશે અને એમાં જીતનારી ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે.
ગ્રૂપ-2માંથી ઇંગ્લૅન્ડ સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે અને એ ગ્રૂપમાં સેમિના બીજા સ્થાન માટે ન્યૂ ઝીલૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે હરીફાઈ છે. આજે કોલંબોમાં ન્યૂ ઝીલૅન્ડ જો ઇંગ્લૅન્ડને સુપર એઈટની મૅચ (સાંજે 7.00 વાગ્યાથી)માં હરાવશે તો સેમિ ફાઈનલ (Semi final)માં પહોંચી જશે અને પાકિસ્તાન આઉટ થઈ જશે. જો ન્યૂ ઝીલૅન્ડ આજે ઇંગ્લૅન્ડ સામે હારી જશે હશે તો શનિવારે પાકિસ્તાનની શ્રીલંકા સામેની મૅચ નિર્ણાયક બનશે. શ્રીલંકા સ્પર્ધામાંથી બહાર થઈ ગયું છે એટલે પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે હરીફાઈ થશે.
આજે પાકિસ્તાન ઈચ્છશે કે ન્યૂ ઝીલૅન્ડને ઇંગ્લૅન્ડ મોટા માર્જિનથી હરાવે અને આવતી કાલે પોતે શ્રીલંકાને પ્રચંડ માર્જિનથી પરાજિત કરે.
ટૂંકમાં, બંને ગ્રૂપમાંથી અનુક્રમે સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે અને બીજા બે સેમિ ફાઇનલના સ્થાન માટે ભારત, વેસ્ટ ઈન્ડિઝ તેમ જ ન્યૂઝીલૅન્ડ, પાકિસ્તાન વચ્ચે હરીફાઈ છે.
ભારતના તમામ છ બૅટ્સમેનના ડબલ ડિજિટમાં રન
ચેન્નઈની પિચ પોતાના ફાસ્ટ બોલર્સને મદદરૂપ થશે એવું વિચારીને ઝિમ્બાબ્વે (Zimbabwe)ના કેપ્ટન સિકંદર રઝાએ ગુરુવારે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. જોકે ભારતના બૅટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમણ શરૂ કરી દીધું હતું. ભારતના તમામ છ બૅટ્સમેનોએ ડબલ ડિજિટમાં રન કર્યા હતા, એ બધામાં અભિષેક શર્માના 55 રન હાઈએસ્ટ હતા અને હાર્દિક પંડ્યા અણનમ 50 રન સાથે બીજા નંબર પર હતો. આ બૅટ્સમેનોએ 158.00થી 275.00 વચ્ચેના સ્ટ્રાઇક રેટથી રન કર્યા હતા. તેમણે કુલ મળીને 17 સિક્સર ફટકારી હતી.
ઝિમ્બાબ્વે કેમ ભારત સામે હારી ગયું?
ઝિમ્બાબ્વેના ખેલાડીઓએ સુપર એઇટ રાઉન્ડની બે મૅચમાં કુલ પાંચ કૅચ છોડ્યા. ઈશાન કિશને 38 રન અને કેપ્ટન સૂર્યકૂમારે 33 રન કર્યા હતા. જોકે કિશન 26 રન પર હતો ત્યારે અને સૂર્યકુમાર આઠ રન પર હતો ત્યારે તેમના એક-એક કેચ છૂટ્યો હતો. જો એવું ન થયું હોત તો ભારતનો દાવ 4/256ના રેકોર્ડ-બ્રેક સ્કોરને બદલે કદાચ ઓછો રહ્યો હોત અને ઝિમ્બાબ્વે કદાચ જીતી શક્યું હોત.