નવી દિલ્હીઃ ભારતે ગ્રાહકોને નાણાકીય સાધનો તરફ વાળીને વિશાળ ઘરેલુ સોનાના ભંડારને ખોલવા જોઈએ, એમ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. પી. ચૌધરી અને વરિષ્ઠ અધિકારીઓએ જણાવવાની સાથે ચેતવણી આપી હતી કે ભૌતિક ધોરણે સોનાની સંગ્રહખોરી દેશનો આર્થિક વિકાસ મર્યાદિત કરે છે.
દેશના સ્થાયી નાણાકીય પંચના સભ્ય ચૌધરીએ જણાવ્યું હતું કે મોટી માત્રામાં સોનાનું નાણાકીયકરણથી ભારતની સોનાની આયાત નિર્ભરતા ઘટાડી શકે છે તેમ જ ચાલુ ખાતાની ખાધ પરનું દબાણ પણ ઘટાડી શકે છે.અત્રે એસોચેમ દ્વારા આયોજિત એક પ્રસંગને સંબોધતા તેમણે કહ્યું હતું કે જેમ અને જ્વેલરી ક્ષેત્ર મર્કન્ડાઈઝ નિકાસમાં 15 ટકા હિસ્સો ધરાવે છે અને 50 લાખ લોકોને રોજગાર પૂરો પાડે છે.
ભારતમાં ઘરગથ્થુ ધોરણે અને મંદિરોમાં અંદાજે 10 ટ્રિલિયન ડૉલરના મૂલ્યનું અંદાજે 50,000 ટન સોનું છે, જે ઔપચારિક ધોરણે નાણાકીય યંત્રણાની બહાર છે, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જનાં ચીફ બિઝનૅસ ડેવલોપમેન્ટ ઑફિસર શ્રીરામ ક્રિષ્નને જણાવતા ઉમેર્યું હતું કે આપણી પાસે પ્લેટફોર્મ છે, આપણી પાસે ક્ષમતા છે, ટેક્નોલૉજી છે આથી અમે સરકારને અનુરોધ કરીએ છીએ કે ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (ઈજીઆર) મારફતે સોનાને ડિમટિરિઅલાઈઝ કરવા માટેના અંતરાયો દૂર કરો.
નોંધનીય બાબત એ છે કે ઈજીઆર એ સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા સમર્થિત એક સમર્પિત સાધન છે, જેમાં ગ્રાહકો પોતાની પાસે રહેલ સોનું જમા કરાવવાને મંજૂરી આપી છે અને તેની સ્ટોક એક્સચેન્જમાં લે-વેચ અથવા તો શૅરની જેમ વેપાર કરવાની મંજૂરી આપે છે. ઈજીઆરના ફ્રેમવર્ક હેઠળ જ્યારે સોનાને આપવામાં (સરન્ડર કરવામાં આવે) આવે ત્યારે લાદવામાં આવતો ત્રણ ટકા જીએસટી મુખ્ય અવરોધ હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે એનએસઈએ આ બાબતના ઉકેલનો પ્રસ્તાવ મૂકતો શ્વેતપત્ર રજૂ કર્યો છે.
છેલ્લાં બે નાણાકીય વર્ષમાં સોનાના ભાવમાં અંદાજે 30 ટકા જેટલો ઉછાળો આવી ગયો હોવાથી સોનાના નાણાકીયકરણ માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું ઈક્રા લિ.નાં વરિષ્ઠ ઉપપ્રમુખ જિતિન મક્કરે જણાવ્યું હતું. એકંદરે ભાવમાં તેજી હોવા છતાં દેશમાં આભૂષણો માટેની માગ મક્કમ રહી છે અને મોટા ભાગનાં રિટેલરોએ નાણાકીય વર્ષ 2025 અને 2026માં તેની આવકમાં દ્વીઅંકી સંખ્યામાં વૃદ્ધિદર દાખવવાની સાથે સ્ટોરની સંખ્યામાં પણ 20 ટકા જેટલો વધારો થયો છે.
તેમ જ તાજેતરના વર્ષોમાં બૅન્કો અને બૅન્ક સિવાયની નાણાકીય કંપનીઓ દ્વારા સોનાની લોન પણ ચાર ગણી વધીને અંદાજે એક લાખ કરોડથી વધીને ચાર લાખ કરોડ થઈ હોવાનું મક્કરે જણાવતા ઉમેર્યું હતું કે ફરજિયાત હૉલમાર્કિંગ અને ભારતીય ગૂડ ડિલિવરી ધોરણોની રજૂઆત સહિતના નિયમનકારી પગલાંએ સ્થાનિક સ્તરે ઉત્પાદિત સોનામાં વિશ્વાસ અંકે કરવામાં મદદ કરવાની સાથે આયાત નિર્ભરતામાં પણ અમુક અંશે ઘટાડો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.