નવી દિલ્હીઃ ઈરાન યુદ્ધના કારણે અસર પામી રહેલી અર્થવ્યવસ્થાની વિકાસ ગતિ જાળવી રાખવા માટે સરકાર આર્થિક પેકેજ લાવી શકે છે. આ મુદ્દે વિવિધ મંત્રાલયોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે, જેથી સરકાર એવું પેકેજ તૈયાર કરી શકે જે દેશની આર્થિક વિકાસ દરને પહેલા જેવી 7 ટકાથી વધુના સ્તર પર જાળવી રાખી શકે. ક્રૂડ ઓઈલ અને ગેસને કારણે ઊભા થયેલા સંક્ટને કારણે અર્થ વ્યવસ્થાને અસર પહોંચી છે. નિકાસકારો માટે તો આવતા એક અઠવાડિયામાં જ આર્થિક રાહતની જાહેરાત કરવામાં આવી શકે છે.
મોદીએ કર્યો મહત્ત્વનો ઈશારો
યુદ્ધના કારણે નિર્માણ અને ઉત્પાદન ખર્ચ વધવાથી નાના ઉદ્યોગકારોના ઉત્પાદન પર માઠી અસર પડી છે. તેમના ચૂકવણાં અટવાઈ જવાની આશંકા પણ ઊભી થઈ છે. જેના કારણે તેમની વર્કિંગ કેપિટલ (કાર્યકારી મૂડી)ફસાઈ શકે છે. નાના ઉદ્યોગકારોને મદદરૂપ થવા માટે સરકાર આર્થિક સહાય આપવા અંગે પણ વિચારણા કરી રહી છે. આ અંગે જુદા જુદા મંત્રાલયમાં બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. આ અંગે વડાપ્રધાન મોદીએ પણ નોંધ લઈને બંગાળથી ઈશારો કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં યોજાયેલી એક રેલીના સંબોધનમાં આ વિષયનો ઉલ્લેખ કર્યો છે.
આર્થિક સ્થિરતા માટે ફંડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શનિવારે રેલીને સંબોધતા કહ્યું હતું કે, યુદ્ધના કારણે પડતી અસરને શક્ય તેટલી ઓછી કરવા માટે સરકાર પ્રયત્ન કરશે. ગત શુક્રવારે નિર્મલા સીતારામણે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંસદમાં એક લાખ કરોડ રૂપિયાના આર્થિક સ્થિરતા ફંડની જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ લાંબા ગાળાની વ્યૂહરચનાનો ભાગ છે, જ્યારે આર્થિક પેકેજ દ્વારા તાત્કાલિક રાહત આપવાનો પ્રયાસ થઈ શકે છે. હાલમાં અલગ-અલગ ક્ષેત્રો માટે અનેક પેકેજની જાહેરાત થઈ શકે છે.
કોરોના કાળ સાથે તુલના યોગ્ય નથી
આર્થિક વિષયોના જાણકારોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિની તુલના કોરોના કાળ સાથે કરવી યોગ્ય નથી, પરંતુ સપ્લાય ચેનમાં વિક્ષેપ થવાના કારણે કાચા તેલ, ગેસ તેમજ એલ્યુમિનિયમ, તાંબું, ટીન, ઝીંક અને નિકલ જેવી ધાતુઓની કિંમતોમાં ફેબ્રુઆરી બાદ માર્ચ મહિનામાં ઝડપી વધારો થયો છે. જેના કારણે અનેક ગ્રાહક વપરાશની વસ્તુઓ મોંઘી થવી એ નક્કી મનાય છે. આ ધાતુઓની કિંમતોમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીમાં લગભગ 12 ટકા થી લઈને 53 ટકા સુધીનો વધારો નોંધાયો છે. આવી સ્થિતિમાં ગ્રાહક વપરાશની વસ્તુઓના વેચાણ પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.