નવી દિલ્હી : હવાઇ યાત્રા કરતાં મુસાફરો માટે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં ડીજીસીએના જણાવ્યા અનુસાર હવે 20 એપ્રિલથી એરલાઇન્સ કોઈપણ ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા બેઠકો કોઈપણ વધારાના ચાર્જ વિના ઉપલબ્ધ કરાવશે. તેમજ ફ્લાઇટમાં પારદર્શક સીટ ફાળવણી નીતિ ઘડશે.
આ પરિપત્ર 20 એપ્રિલથી અમલમાં આવશે.
આ અંગે 18 માર્ચના રોજ ડીજીસીએને પરિપત્ર જાહેર કર્યો હતો. તેમજ એરલાઇન્સને કોઈપણ ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા બેઠકો મુસાફરોને કોઈપણ વધારાના ચાર્જ વિના ફાળવવાનો નિર્દેશ આપ્યો હતો. આ સંદર્ભમાં ડીજીસીએએ 20 માર્ચે એક સુધારેલ હવાઈ પરિવહન પરિપત્ર જાહેર કર્યો હતો. ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ પરિપત્ર 20 એપ્રિલથી અમલમાં આવશે.
એરલાઇને 60 ટકા બેઠકો કોઈપણ વધારાના ચાર્જ વિના ઓફર કરવી પડશે
ડીજીસીએ જણાવ્યું છે કે એરલાઇન્સે કોઈપણ ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60 ટકા બેઠકો કોઈપણ વધારાના ચાર્જ વિના ઓફર કરવી પડશે. આ સુધારેલા પરિપત્ર મુજબ એરલાઇન્સે પારદર્શક સીટ ફાળવણી નીતિઓ જાળવી રાખવી અને તેમના બુકિંગ ઇન્ટરફેસ પર લાગુ નિયમો અને શરતો સાથે આ બેઠકોની ઉપલબ્ધતા સ્પષ્ટ રીતે જણાવવી જરૂરી છે. આ ઉપરાંત સમાન PNR હેઠળ મુસાફરી કરતા મુસાફરોને શક્ય હોય ત્યાં સુધી એકબીજાની નજીક બેઠકો ફાળવવી જોઈએ.
રૂપિયા 200 થી 2100 સુધીની ફી વસૂલ કરે છે
હાલમાં, હવાઈ મુસાફરોને વધારાની ફી લીધા વિના કુલ બેઠકોના માત્ર 20 ટકા બેઠકો બુક કરવાની પરવાનગી છે. જ્યારે બાકીની બેઠકો માટે મુસાફરોએ વધારાની ચુકવણી કરવી જરૂરી છે. સામાન્ય રીતે એરલાઇન્સનો સ્થાન અને વધારાના લેગરૂમની જોગવાઈ જેવા વિવિધ પરિબળો પર આધાર રાખીને સીટ પસંદગી માટે રૂપિયા 200 થી 2100 સુધીની ફી વસૂલ કરે છે.