Mon May 11 2026

Logo

પીએમ મોદીની અપીલ બાદ સરકારે કહ્યું ઈંધણનો જથ્થો પૂરતો, વપરાશ ઘટાડવા અપીલ

2026-05-11 17:32:09
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સરળતાથી પરિવહનની અનિશ્ચચતા વચ્ચે દેશમાં પણ ઇંધણની સપ્લાય ચેનને અસર થઇ છે. જેના પગલે પીએમ મોદીએ રવિવારે નાગરિકોને ઇંધણનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ લોકોને પેટ્રોલ ડીઝલનો ઓછો વપરાશ કરવા અપીલ કરી છે. જોકે, મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશના ઈંધણનો જથ્થો પૂરતો છે. 

દેશ પરનો આર્થિક દબાણ ઘટાડી શકાય

આ અંગે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે શક્ય હોય ત્યાં મેટ્રો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ લોકો કારપૂલિંગ અપનાવે છે અને માલસામાન માટે રેલવેને પસંદ કરે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે જો દરેક નાગરિક રોજિંદા જીવનમાં ઊર્જા બચાવવાનો પ્રયાસ કરે તો દેશ પરનો આર્થિક દબાણ ઘટાડી શકાય છે.

દેશમાં ક્રુડ ઓઈલનો ભંડાર પૂરતા પ્રમાણમાં

તેમણે પેટ્રોલ ડીઝલની સ્થિતી અને જણાવ્યું કે  દેશમાં ક્રુડ ઓઈલનો ભંડાર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને બધી રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે. દેશના કોઈપણ પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત નથી અને એલપીજી એજન્સીઓ પર પણ પુરવઠો સામાન્ય રહ્યો છે.

 રાંધણ ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે

મંત્રાલયે માહિતી આપી હતી કે રાંધણ ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એલપીજી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. છેલ્લા ત્રણ દિવસમાં  1 કરોડ 14 લાખ બુકિંગ સામે 1 કરોડ 26 લાખ એલપીજી સિલિન્ડર ઘરોમાં પહોંચાડવામાં આવ્યા છે. જયારે છેલ્લા ત્રણ દિવસમાં કોમર્શીયલ એલપીજીનું વેચાણ પણ 17 હજાર ટનથી વધુ થયું છે. સરકારે કહ્યું કે ઓટો એલપીજીનું વેચાણ પણ 762 ટનથી વધુ નોંધાયું છે. તેમજ પુરવઠા પ્રણાલી સામાન્ય રીતે કાર્યરત છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.