નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં એક ટ્રિલ્યન ડૉલરની નિકાસનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે હાલના વેપારીઓ સાથે સંબંધો વધુ ગાઢ બનાવવા, ઊભરતી બજારોમાં વિકેન્દ્રીકરણ કરવું અને શક્ય એટલો વધુ મુક્ત વેપાર કરારનો લાભ લેવો આવશ્યક હોવાનું સીઆઈઆઈની નિકાસ પરની રાષ્ટ્રીય સમિતિનાં અધ્યક્ષ અને પેટોન ઈન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર સંજય બુધિયાએ આજે જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે વાણિજ્ય મંત્રાલયે વર્તમાન નાણાકીય વર્ષ 2026-27 માટે એક ટ્રિલ્યન ડૉલરની નિકાસનો લક્ષ્યાંક રાખ્યો છે જેમાં 530 અબજ ડૉલરની મર્કન્ડાઈઝ નિકાસ અને 470 અબજ ડૉલરની સર્વિસીસ નિકાસનો સમાવેશ થાય છે. ગત નાણાકીય વર્ષ 2025-26માં દેશી મર્કન્ડાઈઝ અને સર્વિસીસ નિકાસ વધીને સર્વોચ્ચ 863.1 અબજ ડૉલરની સપાટીએ પહોંચી હતી. જેમાં 441.8 અબજ ડૉલરની મર્કન્ડાઈઝ નિકાસ અને 421.3 અબજ ડૉલરની સર્વિસીસ નિકાસનો સમાવેશ થતો હતો.
હાલનો એક ટ્રિલ્યન ડૉલરની નિકાસનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે મર્કન્ડાઈઝ નિકાસમાં 19.96 ટકાના અને સર્વિસીસ નિકાસમાં 11.56 ટકાના દરથી મળી કુલ 15.86 ટકાના દરથી વૃદ્ધિ થવી જોઈએ, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું આ લક્ષ્ય સાધવા માટે હાલના વેપારી ભાગીદારો સાથે સંબંધો વધુ ગાઢ બનાવવા, નવી ઊભરતી બજારો વિકસાવવી અને સરકાર દ્વારા કરવામાં આવેલા મુક્ત વેપાર કરારનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ.
ભારતના મુખ્ય વેપારી ભાગીદાર દેશોમાં અમેરિકા, ચીન, યુએઈ, રશિયા, સઉદી અરેબિયા, સિંગાપોર, જર્મની, ઈન્ડોનેશિયા અને નેધર્લેન્ડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય બાબત એ છે કે પેટોન ઈન્ટરનેશનલ એક સરકારી અધિકૃત એક્સપોર્ટ હાઉસ છે અને પશ્ચિમ બંગાળમાં આઠ અદ્યતન ઉત્પાદન એકમો છે અને તેના રોજગારોની સંખ્યા 3500થી વધુ છે.